તા. ૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-૨૦૨૬માં ગુજરાત બન્યું વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસનું પ્રતિક: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વભરના અગ્રણી ચેરપર્સન, CEO, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે ૫૮થી વધુ મહત્વપૂર્ણ બેઠકો યોજાઇ

ગાંધીનગર :વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-૨૦૨૬ અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-૨૦૨૬માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી બન્યું હતું. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત આજે આત્મનિર્ભર બનીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું છે. જેના પરિણામે આજે વિશ્વાસ, વિકાસ અને વૈશ્વિક ભાગીદારી થકી ગુજરાત અગ્રેસર બન્યું છે. જે અંગે કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી સહિત સમગ્ર પ્રતિનિધિ મંડળને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વધુમાં, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વભરના અગ્રણી ચેરપર્સન, CEO, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે ૫૮થી વધુ મહત્વપૂર્ણ બેઠકો યોજાઇ હતી. જેમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે ભારતના સૌથી વિશ્વસનીય અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ગુજરાતે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.
રાજ્યની નીતિઓમાં રહેલી સ્થિરતા અને દીર્ઘકાલીન આયોજન એ વિશ્વના રોકાણકારો માટે સૌથી મોટું આકર્ષણ બન્યું છે. આ પાંચ દિવસીય વૈશ્વિક મંચ પર ગુજરાતે મજબૂત ઔદ્યોગિક પાયા સહિત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા આધારિત આર્થિક વિકાસનું વિઝન વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વૈશ્વિક કક્ષાએ ગુજરાતના ગવર્નન્સ મોડલ અને 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' પ્રત્યે એક અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર વ્યાપાર ઉદ્યોગોની સાથોસાથ રમતગમત ક્ષેત્રમાં પણ વિશ્વ કક્ષાનું માળખું ઊભું કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિઝન રોકાણકારો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
