<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

NCBનો આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક : સુરતના પલસાણામાં ₹10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું : મૈસૂરમાં ચાલતી ગુપ્ત લેબોરેટરીનો પર્દાફાશ

જેલમાં રહીને ડ્રગ્સ બનાવવાનું ષડયંત્ર રચનાર માસ્ટરમાઇન્ડ મહિન્દ્ર બિશ્નોઈ સહિત રાજસ્થાનના ચાર શખ્સોની ધરપકડ : ફોર્ચ્યુનર કારમાંથી 25 કિલો મેફેડ્રોન અને પલસાણાના નિવાસસ્થાનેથી ₹25.6 લાખની રોકડ તથા અફીણ જપ્ત

 

સુરત, તા. 31 જાન્યુઆરી : ગુજરાતમાં નશાના કારોબાર વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ એક અત્યંત મહત્વની અને મોટી સફળતા હાંસલ કરી છે. NCB એ સુરત અને કર્ણાટકના મૈસૂરમાં ઓપરેશન હાથ ધરીને ₹10 કરોડની કિંમતના 25 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ બનાવવાની ગુપ્ત ફેક્ટરી સીલ કરવામાં આવી છે અને માસ્ટરમાઇન્ડ સહિત ચાર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.
પલસાણામાં ફોર્ચ્યુનર કારમાંથી મળ્યું ડ્રગ્સ
NCB ને મળેલી સચોટ બાતમીના આધારે 28 જાન્યુઆરી, 2026 ના રોજ સુરતના પલસાણા ખાતે કર્ણાટક પાસિંગની એક ટોયોટા ફોર્ચ્યુનર કારને અટકાવવામાં આવી હતી. સુરત પોલીસના સહયોગથી કરાયેલી તપાસમાં કારમાંથી અંદાજે 25 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. આ તપાસના દોર પલસાણાની ‘દાસ્તાન રેસિડેન્સી’ સુધી પહોંચ્યા હતા, જ્યાં મુખ્ય આરોપી મહિન્દ્ર બિશ્નોઈના ઘરે દરોડો પાડતા ₹25.6 લાખની રોકડ, 1.8 કિલો અફીણ અને ડ્રગ્સ બનાવવામાં વપરાતા કેમિકલ્સ મળી આવ્યા હતા.
મૈસૂરમાં ‘ક્લિનિંગ કેમિકલ’ના નામે ચાલતી હતી મોતની ફેક્ટરી
આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક ગુપ્ત ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ લેબ ચલાવવામાં આવતી હતી. આ યુનિટ ક્લિનિંગ કેમિકલ્સના ઉત્પાદનના બહાને ભાડે રાખવામાં આવ્યું હતું. NCB એ આ લેબ પર ત્રાટકીને ત્યાંથી આધુનિક સાધનો, 500 કિલોથી વધુ રો મટીરિયલ અને કેમિકલ્સ જપ્ત કર્યા છે. આ જગ્યા બિશ્નોઈના સગાના નામે ભાડે રાખવામાં આવી હતી.
જેલના સળિયા પાછળ ઘડાયું હતું નેટવર્ક
આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ મહિન્દ્ર બિશ્નોઈ અગાઉ પણ NDPS ના ગુનામાં જેલ જઈ ચૂક્યો છે. તેણે જેલમાં સજા કાપતી વખતે અન્ય કેદીઓ પાસેથી સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન, બજારની માંગ અને સપ્લાય ચેઈન વિશેની તાલીમ મેળવી હતી. 2024 માં જામીન પર મુક્ત થયા બાદ તેણે આ નેટવર્ક શરૂ કર્યું હતું. ઝડપાયેલા ચારેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના છે અને તેઓ આ જથ્થો રાજસ્થાનમાં સપ્લાય કરવાની પેરવીમાં હતા.
NCBની કેમિકલ ઉદ્યોગોને તાકીદ
આ સફળતા બાદ NCB એ દેશમાં મેફેડ્રોનના વધતા ઉપયોગને રોકવા માટે કેમિકલ ઉદ્યોગો પર નજર રાખવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને ‘2-બ્રોમો-4-મેથાઇલપ્રોપિઓફેનોન’ અને ‘મોનો મેથાઇલએમાઇન’ (MMA) જેવા કેમિકલ્સના વેચાણ પર કડક દેખરેખ રાખવા માટે રેડ ફ્લેગ ઇન્ડિકેટર્સ (RFI) જારી કરવામાં આવ્યા છે. હાલમાં ગુપ્ત લેબને સીલ કરી તમામ પુરાવાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

(9:55 AM IST)