<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ઈન્‍ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરના કેસમાં દર વર્ષે ૨૦ ટકાનો વધારો

વધુ સમય વીડિયો ગેમ્‍સ રમવાથી ચિંતા, અનિદ્રા, કંટાળો, અભ્‍યાસમાં નિષ્‍ફળતા અને આત્‍મહત્‍યાના વિચારો વધી શકે છે

અમદાવાદ,તા.૩૧: ઘરના કોઈ એક ખૂણાંમાં સ્‍થિર થઈને લાંબા સમય સુધી ગેઈમ્‍સમાં લીન થઈ ગયેલો કિશોર કે યુવાન પરિવાર માટે ચિંતાનો વિષય છે. કેટલાંક મહિના પછી બળવાન બની ગયેલી આ આદત વીડિયો ગેમ ડિસઓર્ડરનું સ્‍વરૂપ લઈ લે છે અને પરિવારને ખબર જ નથી પડતી.

અમદાવાદના સરકારી માનસિક રોગ સારવાર કેન્‍દ્રની બહાર લાઈનમાં પરિવાર સાથે બેઠેલા એક યુવાનની નિષ્‍ક્રિયતાથી થાકીને બેઠેલા એક મધ્‍યમ વર્ગીય પિતાએ સૌને ચેતવણી આપતાં જણાવ્‍યું છે કે જો તમારો દીકરો કોઈ વીડિયો ગેમ રમતો હોય અને તેણે જો મોબાઈલ કે વીડિયો ગેઈમ રમવાની શરુઆત કરી હોય તો તેને અત્‍યારે જ રોકજો. કારણ કે તે આ પ્રવૃત્તિમાં ધીમે ધીમે એટલો ઊંડો ઉતરી જશે કે તેના ધીમે ધીમે ઘરની સામાન્‍ય જવાબદારીઓ પણ ભારરુપ લાગવા લાગશે. નાના નાના કામ સોંપાતા જ તે ક્રોધિત થવા લાગશે. આ કોઈ સામાન્‍ય વાત નથી પરંતુ તેના પર હાવી થઈ ગયેલા ગેમિગ ડિસઓર્ડરની નિશાની છે.

અમદાવાદમાં વિવિધ માનસિક સારવાર કેન્‍દ્રોમાં એક સમયે તણાવ સંબંધિત કેસો આવતાં હતા. પરંતુ હવે ગેમિગ ડિસઓર્ડરના કેસ પણ આવવા લાગ્‍યા છે. ગુજરાતના વિવિધમાનસિક સારવાર કેન્‍દ્રોમાં ગેમિંગ ડિસઓર્ડરના કેસોની સંખ્‍યા માસિક ૪૦૦થી વધુ છે અને અમદાવાદ જેવા શહેરમાં પણ મહિને દોઢસોથી વધુ કેસો નોંધાય છે.

ડિજિટલ યુગમાં સફશ્નગ કરતાં કરતાં સહજ રીતે વીડિયો ગેમ્‍સની લત લાગી જાય છે. તેની અતિશય લત (ઈન્‍ટરનેટ ગેમિગ ડિસઓર્ડર - IGD) ગંભીર માનસિક સમસ્‍યા બની રહી છે. વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ૨૦૧૮માં IGDને રોગ તરીકે માન્‍યતા આપી છે, જેમાં રોજ ૩ કલાકથી વધુ વીડિયો ગેઈમ્‍સ રમવાથી તેની સાથે ચિતા, અનિદ્રા, અભ્‍યાસમાં નિષ્‍ફળતા અને આત્‍મહત્‍યાના વિચારો જેવા લક્ષણો જોવા મળે છે.

ભારતમાં ૫૬૮ મિલિયન ગેમર્સમાંથી ૩-૧૫%ને IGD જોખમ છે. ગુજરાતમાં કોવિડ પછી કેસો ૨૦-૪૦% વધ્‍યા, કારણ કે લોકડાઉનમાં મોબાઈલ ગેમિગ ૪૦% વધ્‍યું. નિષ્‍ણાંતોના મતે મોબાઈલ ગેમિંગના કેસ શહેરો કરતાં પણ ગામડાંમાં વધુ જોવા મળે છે. ગામડામાં ખેતી કે પશુપાલન કરતાં કરતાં મળતા નવરાશના સમયમાં ગેમિગની અસર વિશેષ જોવા મળી રહી છે. ગેમિગની અસર માત્ર મન પર જ નહીં પરંતુ શરીર પર પણ પડી રહી છે. તેની સીધી અસર પાચન ક્રિયામાં, આંખો પર અને સ્‍થૂળતા પર પડે છે.

 

(10:14 AM IST)