News of Saturday, 31st January 2026
ક્ષત્રિય સમાજની મોટી જીત : આગેવાનોની મહેનત સફળ:પદ્માવત ફિલ્મ સમયે થયેલા કેસો પરત ખેંચાયા
સંજય લીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ પદ્માવતના વિરોધ સમયે ગુજરાતના ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો મામલે સરકારને રજૂઆતો બાદ મહેસાણા જિલ્લાના કેસો પરત લેવાયા

અમદાવાદ : ક્ષત્રિય સમાજ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે અને ક્ષત્રિય આગેવાનોએ સરકાર પર કરેલા પ્રેશરની લડાઈમાં સફળતા મળી છે. રાજપૂત સમાજને સૌથી મોટી સફળતા મળી છે. પદ્માવત ફિલ્મ સમયે થયેલા કેસો પરત ખેંચાયા છે. પદ્માવત ફિલ્મ સમયે વિરોધ ના પગલે ક્ષત્રિયો પર થયેલા બે સહિત નાના મોટા 11 કેસ પરત ખેંચાયા છે.
મહેસાણ પોલીસ સ્ટેશન તથા વિજાપુર પોલીસ સ્ટેશન હસ્તકના કેસો પરત ખેંચાયા છે. મહેસાણા તથા મહુડી પાસે થયેલા બનાવોમાં કેસ થયા હતા. ગત જૂલાઈ 2025 માં કેસો પરત ખેંચવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સહિત વિવિધ સામાજિક સંગઠનોએ રજૂઆત કરી હતી. જેમાં સરકારે હકારાત્માક પ્રતિભાવો આપ્યા હતા. હવે એમાં સફળતા મળી છે.
ગુજરાત સરકારે મહુડી અને મહેસાણા પોલીસ સ્ટેશન હેઠળના કેસો કોર્ટમાં રજૂ કરીને પરત ખેંચવાની મંજૂરી મેળવી છે. કુલ 11 કેસ (મહેસાણા સેશન્સ કેસ નં. 54-2018થી 136-2023 સુધીના) પરત ખેંચાયા છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ રજૂઆત કરવામાં આવી હતી.આ સાથે શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેના પ્રમુખ વિજયસિંહ ચાવડા અને અશ્વિનસિંહ સરવૈયા સહિત આગેવાનો હાજર રહ્યાં હતા. કેસ પરત ખેંચાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનો આભાર વ્યક્ત કરાયો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2017-18માં પદ્માવત ફિલ્મ વિરુદ્ધ આંદોલન દરમિયાન યુવાનો પર કેસ થયા હતા. આ કેસો સંજય લીલા ભણસાલીની ફિલ્મ દ્વારા ક્ષત્રિય સંસ્કૃતિના ખોટા ચિત્રણ સામે હતા. અમદાવાદના કેસો હજુ પેન્ડિંગ છે, કાર્યવાહી ચાલુ રહેશે. આ લડાઈમાં મહેન્દ્રસિંહ જાડેજા અને જયદેવસિંહ ચાવડાએ કાયદાકીય પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
