<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ગુજરાત સરકારમાં ક્લાસ 1 અને 2 અધિકારી બનવાની સોનેરી તક: GPSC એ 279 જગ્યાઓ માટે સત્તાવાર ભરતી જાહેર કરી

અરજી પ્રક્રિયા શરૂ થઈ છે અને છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી: જાણો લાયકાત, પરીક્ષાની તારીખ અને ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ વિગતો

અમદાવાદ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2 ની કુલ 279 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અભિયાન રાજ્યની વહીવટી વ્યવસ્થાને સુધારવા અને નવી રચાયેલી મહાનગરપાલિકાઓને મજબૂત કરવાના હેતુથી હાથ ધરવામાં આવ્યું છે.

GPSC ના સેક્રેટરી સુધીર પટેલના જણાવ્યા અનુસાર, આ ભરતીમાં કુલ 23 અલગ-અલગ સંવર્ગોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે વહીવટી, ટેકનિકલ અને મેડિકલ કેડર્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવી મેટ્રો સિટીઝ અને નવી મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસને વેગ આપવા માટે ટાઉન પ્લાનર, અધિક સીટી ઈજનેર અને મેડિકલ ઓફિસર જેવી મહત્વની જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત ડેપ્યુટી સેક્શન ઓફિસર, ચીફ સાયન્ટિફિક ઓફિસર અને વેટરનરી ઓફિસર જેવી પોસ્ટ્સ માટે પણ ઉમેદવારો પસંદ કરવામાં આવશે.

ઉમેદવારો આજથી એટલે કે 31 જાન્યુઆરી, 2026 (બપોરે 1 વાગ્યાથી) ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી, 2026 છે. અગત્યની બાબત એ છે કે અરજી માત્ર GPSC ની સત્તાવાર વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પરથી 'વન ટાઈમ રજિસ્ટ્રેશન' (OTR) પદ્ધતિ દ્વારા જ સ્વીકારવામાં આવશે. OTR ના કારણે ઉમેદવારે વારંવાર પોતાની વિગતો ભરવી પડતી નથી, જેનાથી સમયનો બચાવ થાય છે.

આ ભરતી પ્રક્રિયા માટેની પ્રિલિમિનરી પરીક્ષા  26 એપ્રિલ, 2026 ના રોજ યોજાશે. પરીક્ષામાં બે પેપર હશે: સામાન્ય જ્ઞાન (100 માર્ક્સ) અને વિષય-વિશેષ (200 માર્ક્સ). પસંદગી પામનાર ઉમેદવારોને સાતમા પગાર પંચ મુજબ આકર્ષક પગાર અને ભથ્થાં મળશે. ક્લાસ-1 અધિકારીઓ માટે પગાર ધોરણ રૂ. 56,100 થી રૂ. 1,77,500 અને ક્લાસ-2 માટે રૂ. 44,900 થી રૂ. 1,42,400 રહેશે. સાથે જ સરકારી પેન્શન અને મેડિકલ લાભો પણ મળવાપાત્ર છે.

 

(9:35 PM IST)