News of Saturday, 31st January 2026
અમદાવાદના ગોતામાં વાહન અડવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ માર મારી નિવૃત ક્લાર્કને મોતને ઘાટ ઉતાર્યા
પોલીસે આરોપીઓની ધરપકડ બાદ ઘટના સ્થળે લઈ જઈ રિકંસ્ટ્રક્શન પણ કર્યું

અમદાવાદનાં ગોતા વિસ્તારમાં એક મીનીટમાં આવેશમાં આવીને એક 60 વર્ષીય વૃદ્ધની હત્યા કરવામાં આવી છે, વૃદ્ધ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એક બાઈક ચાલક સાથે વાહન સામાન્ય અડી જતા બોલાચાલી થઈ હતી. બાઈક પર સવાર બે યુવકોએ વૃદ્ધને એટલી હદે માર માર્યો કે તેનું મોત થઈ ગયું હતું. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી છે.
શહેરના ગોતામાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે ગત 29મી જાન્યુઆરીએ અકસ્માત સર્જાયો હતો. ચાંદલોડિયામાં 60 વર્ષીય અલ્પેશભાઇ મહેતા ગાડી લઈને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે તેઓની કારનો એક બાઈક ચાલક સાથે સામાન્ય અકસ્માત થતાં બાઈક પર રહેલા અમિત વાઘેલા અને કેવલ વાઘેલાએ આવેશમાં આવીને તેઓની ગાડીનો કાચ તોડી તેઓને મૂઢ માર માર્યો હતો, અકસ્માતની જાણ થતા સોલા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીઓ અને અલ્પેશ મહેતાને પોલીસ મથકે લાવ્યા હતા, જોકે અલ્પેશ મહેતાની તબિયત વધુ ખરાબ લાગતા તેઓને સારવાર માટે ખસેડ્યા જ્યા તેઓનું મોત થયું હતું. જેથી પોલીસે અમિત વાઘેલા અને કેવલ વાઘેલા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી.
સોલા પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે બન્ને આરોપીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સોલા વોર્ડમાં કોન્ટ્રાક્ટ બેઝ પર મૃત પશુઓના નિકાલનુ કામ કરે છે. આ બન્ને આરોપીઓ ચાણક્યપુરી વિસ્તારમાં રહે છે અને તેઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી, અને અકસ્માત દરમિયાન ઉશ્કેરાઇને વૃધ્ધની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે, પોલીસે આરોપીઓની ધરપકડ બાદ ઘટના સ્થળે લઈ જઈ રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું.
પકડાયેલા બન્ને આરોપીઓએ સામાન્ય બાબતમાં એક વૃદ્ધને મોતને ઘાટ ઉતારી નાખતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો, તેવામાં પોલીસે આ બનાવ પાછળનાં ખરા કારણો જાણવા માટે આરોપીઓના રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી છે, રિમાન્ડ દરમિયાન આ આરોપીનાં આવેશમાં આવી જવાના કારણો અને આ ગુનાને અંજામ આપવા પાછળનું સાચુ કારણ સામે આવશે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
