તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Sunday, 1st February 2026
નર્મદા નદી કાંઠે ફરી એક દુર્ઘટના :નદીમાં પડેલી એક યુવતીને નજીક બેઠેલા બીજા એક યુવકે બચાવી: યુવક વહેણમાં લાપતા
ગોલ્ડન બ્રિજ નજીક નર્મદામાં ફોટા સેશન દરમિયાન દુર્ઘટના : નર્મદા નદી કાંઠે પ્રેમી યુગલોની હાજરી અને ત્યાંની સુરક્ષા વ્યવસ્થા ફરી ચર્ચાનો વિષય બની

ભરૂચ -અંકલેશ્વર વચ્ચેના નર્મદા નદી કાંઠે ફરી એક દુર્ઘટના સામે આવી છે. શનિવારની સાંજે ગોલ્ડન બ્રિજના ત્રીજા પીલર નજીક નદીમાં પડેલી એક યુવતીને નજીક બેઠેલા બીજા એક યુવકે બચાવીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યારે તેની સાથે આવેલો યુવક નર્મદાના વહેણમાં લાપતા બન્યો છે.
બચી ગયેલી યુવતી હિરલ ધીરજ વસાવા (21 વર્ષ)એ હોસ્પિટલમાં પોલીસને આપેલા નિવેદન મુજબ, તે અને તેનો મિત્ર નયન મુકેશ વસાવા (ધોરણ 11માં અભ્યાસ કરતો) ફોટા સેશન માટે નદી કાંઠે ગયા હતા. દરમિયાન હિરલ પાણીમાં ખાબકી ગઈ અને નયન પણ તેને બચાવવા પડ્યો, પરંતુ તે વહેણમાં વહી ગયો હતો. નજીક બેઠેલા બીજા એક યુવકે હિરલને બહાર કાઢીને સારવાર માટે ખસેડી હતી.
આ ઘટના બાદ અંકલેશ્વર B ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીના મોબાઈલમાંથી તેના પિતાને જાણ કરી હતી. આ ઘટના બાદ નર્મદા નદી કાંઠે પ્રેમી યુગલોની હાજરી અને ત્યાંની સુરક્ષા વ્યવસ્થા ફરી ચર્ચાનો વિષય બની છે.
અંકલેશ્વર તરફના નર્મદા કાંઠા અને ખાસ કરીને ગોલ્ડન બ્રિજની નીચેના વિસ્તારમાં દિવસ-રાત પ્રેમી યુગલો બેસતા હોવાની ફરિયાદો અને વીડિયો વાયરલ થતા રહે છે. દરિયાઈ ભરતીના સમયે પાણી ઝડપથી વધતું હોવા છતાં ઘણા યુગલો મસગુલ રહેતા હોવાથી ફસાઈ જાય છે. આવી ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે.
નર્મદા મૈયા બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર આપઘાતના બનાવોને રોકવા માટે તંત્રે ખર્ચાળ પગલાં લીધાં હતાં. નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી નેટ અને ગોલ્ડન બ્રિજના બંને છેડે દરવાજા લગાવી તાળા મારવામાં આવ્યા હતા. પરંતુ અસામાજિક તત્વોએ તાળા તોડી નાખ્યા હોવાના આક્ષેપો છે, જેથી લોકો બ્રિજ પર પહોંચી રહ્યા છે અને કાંઠા વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે.
નર્મદા નદીને પવિત્ર માનવામાં આવે છે અને અહીં પિતૃ તર્પણ, શ્રાદ્ધ વિધિ માટે લોકો આવે છે. પરંતુ કાંઠે પ્રેમી યુગલોની હાજરી અને કેટલીક અશ્લીલ પ્રવૃત્તિઓના વીડિયો વાયરલ થતાં હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ રહી છે. સ્થાનિક સામાજિક આગેવાનો ધર્મેશ સોલંકી અને ટીનાભાઈ પટેલે જણાવ્યું કે પવિત્ર ઘાટ પર વિધિ કરવા આવતા લોકો મુઝવાઈ રહ્યા છે અને પોલીસે આ વિસ્તારમાં કડક વ્યવસ્થા લાગુ કરવી જોઈએ.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
