News of Sunday, 1st February 2026
ભાભરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા પોલીસ તંત્રનું મોટું અભિયાન:ઓચિંતી રેડ .પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ શરૂ
આ અભિયાનને કારણે દારૂના ધંધા સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ

ભાભર શહેરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા પોલીસ તંત્રે મોટું અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં દારૂના ગેરકાયદે વેચાણ અને સેવનની પ્રવૃત્તિઓ વધતી જતી હોવાની ફરિયાદો મળી રહી હતી. આ બાબતે સ્થાનિક નાગરિકો, ઠાકોર સમાજના આગેવાનો અને સાંસદ ગેનીબેન ઠાકોરએ પણ પોલીસ તંત્રને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી હતી
આવેદનપત્ર મળ્યા બાદ પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી જવાબ આપ્યો છે. ભાભર પોલીસે શહેરના મુખ્ય બજાર વિસ્તાર, રહેણાંક વિસ્તારો, શંકાસ્પદ ગલી-મોહોલ્લા અને અગાઉ દારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળેલા સ્થળોએ ફૂટ પેટ્રોલિંગ, ઓચિંતી રેડ અને વાહન ચેકિંગનું સઘન અભિયાન શરૂ કર્યું છે.
પોલીસકર્મીઓ પગપાળા ફરીને દરેક ખૂણે નજર રાખી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે અને શંકાસ્પદ સ્થળોએ અચાનક રેડ કરવામાં આવી રહી છે. આ અભિયાનને કારણે દારૂના ધંધા સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે. કેટલાક સ્થળોએ પોલીસની હાજરી જોઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નાગરિકોમાં ઉત્સુકતા તેમજ રાહતની લાગણી જોવા મળી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે: “રાજ્ય સરકારની દારૂબંધી નીતિનું કડક અમલ અમારી પ્રાથમિકતા છે. ભાભરમાં દારૂનું વેચાણ, સંગ્રહ કે હેરાફેરી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. અમે નાગરિકોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
અભિયાન દરમિયાન શંકાસ્પદ વાહનોને અટકાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનોમાં દારૂની હેરાફેરી થતી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વધુ કડક નજર રાખવામાં આવી રહી છે.
ભાભરના નાગરિકોએ પોલીસની આ સક્રિયતાને ખુલ્લેઆમ આવકારી છે. ઘણા લોકોએ જણાવ્યું કે દારૂના કારણે યુવાનો બગડી રહ્યા છે, કુટુંબોમાં વિવાદો વધી રહ્યા છે અને સામાજિક સમસ્યાઓ વધુ ગંભીર બની રહી છે. પોલીસની કડક કાર્યવાહીથી આવા તત્વોમાં ભય ઉભો થશે અને શહેરમાં શાંતિ તેમજ સુખાકારી જળવાઈ રહેશે.
સાંસદ ગેનીબેન ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનોએ પણ પોલીસને સહકાર આપવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે દારૂબંધીને સફળ બનાવવા માટે માત્ર પોલીસના પ્રયાસો પૂરતા નથી, સમાજની પણ સમાન જવાબદારી છે. દારૂના ગેરકાયદે વેચાણ કે સેવનની માહિતી હોય તો ગુપ્ત રીતે પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
પોલીસ તંત્રે જણાવ્યું છે કે આ અભિયાન આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવશે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
