<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ડીજે પ્રતિબંધ, એક માંડવે લગ્ન – 44 ગામોમાં અમલની તૈયારી :બનાસકાંઠામાં મુસ્લિમ સમાજમાં પરિવર્તનના વાયરા ફૂંકાયા

વડગામના ઘોડીયાલ ગામમાં મુસ્લિમ સિપાઈ સમાજની મહત્વની બેઠકમાં 44 ગામોના લોકોએ એકત્ર થઈને સમાજમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા અને શિક્ષણ તરફ વળવા માટે નવા નિયમોનું બંધારણ તૈયાર કરવાનો નિર્ણય લીધો

બનાસકાંઠા જિલ્લામાં સમાજ સુધારણાની ચળવળ વેગ પકડી રહી છે. ઠાકોર, રબારી અને અન્ય સમાજ પછી હવે મુસ્લિમ સમાજમાં પણ પરિવર્તનના વાયરા ફૂંકાયા છે. વડગામ તાલુકાના ઘોડીયાલ ગામમાં મુસ્લિમ સિપાઈ સમાજની મહત્વની બેઠક મળી હતી, જેમાં 44 ગામોના લોકોએ એકત્ર થઈને સમાજમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા અને શિક્ષણ તરફ વળવા માટે નવા નિયમોનું બંધારણ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ એક સુરે આ નવા નિયમોને સમર્થન આપ્યું છે.

 

આ બંધારણમાં મુખ્ય મુદ્દાઓમાં લગ્ન પ્રસંગોમાં ડીજે પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે, જેથી યુવાનોમાં વ્યસન અને અનાવશ્યક ખર્ચ ઘટે. આ ઉપરાંત, એક જ માંડવા હેઠળ સમાજના દીકરા-દીકરીઓના સમૂહ લગ્ન કરવાની પરંપરા શરૂ કરવામાં આવશે, જેથી આર્થિક બોજ ઘટે અને સમાજમાં એકતા વધે. મરણ પ્રસંગે વારંવાર જમણવાર કરવાની પ્રથા પર પણ અંકુશ મૂકીને માત્ર એક જમણવારનો નિયમ અમલમાં મૂકાશે. આ તમામ નિયમોનો હેતુ સમાજને આર્થિક રીતે મજબૂત બનાવવો અને બાળકોને શિક્ષણ તરફ વાળવાનો છે

 

બેઠકમાં ચર્ચા કરતાં આગેવાનોએ જણાવ્યું કે લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતા અનાવશ્યક ખર્ચને કારણે સમાજના ઘણા પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ જાય છે. આને અટકાવવા માટે 'એક સમાજ, એક નિયમ'ના સ્લોગન હેઠળ આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ફરી એક બેઠકમાં આ નિયમોને અંતિમ સ્વરૂપ આપીને કડક અમલ કરવામાં આવશે. આનાથી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધશે અને યુવાનો વિકાસ તરફ વળશે.

બનાસકાંઠા જિલ્લામાં આ પહેલ મુસ્લિમ સમાજમાં પ્રથમ વખત જોવા મળી છે. અગાઉ ઠાકોર અને રબારી સમાજે પણ સમાન બંધારણ બનાવીને ડીજે પર પ્રતિબંધ અને ખર્ચ ઘટાડવાના નિયમો અમલમાં મૂક્યા છે, જેના પરિણામે સમાજમાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે. સિપાઈ સમાજના આ પગલું પણ જિલ્લામાં અન્ય સમાજો માટે પ્રેરણારૂપ બનશે. બેઠકમાં હાજર લોકોએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને તેનું કડક પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ સમાજ સુધારણાની ચળવળ ગુજરાતમાં વધુ વેગ પકડી રહી છે, જેમાં આર્થિક સમાનતા અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં આ બંધારણ અમલમાં આવતાં સિપાઈ સમાજમાં મોટા પરિવર્તનની અપેક્ષા છે.

(8:36 PM IST)