News of Monday, 2nd February 2026
જે.જે. પટેલના નેતૃત્વમાં સમરસ ગ્રુપ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડશે
બુધવારથી જે.જે.પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે

રાજકોટઃ ૬ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં અનુભવી અને સતત ૨૦૦૬ થી સમરસ ગ્રુપની ચૂંટણી રણનીતિ સફળતાપૂર્વક સંભાળનાર શ્રી જે.જે. પટેલના નેતૃત્વમાં સમરસ ગ્રુપ ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેમ જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે શ્રી જે.જે. પટેલ ૨૦૦૬થી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સમરસ ગ્રુપના સંયોજક તરીકે નેતૃત્વ આપી રહ્યા છે. સામાન્ય ચૂંટણીથી અલગ, પ્રેફરન્સિયલ મતદાન પદ્ધતિને કારણે અત્યંત જાટિલ ગણાતી આ ચૂંટણી સમગ્ર ગુજરાતના વકીલ સમાજની માતૃ સંસ્થાની મહત્વપૂર્ણ ચૂંટણી છે, જેમાં દર વખતે ૧૦૦થી વધુ વકીલો ઉમેદવારી નોંધાવે છે અને ચૂંટણી ખૂબ જ રસાકસીભરી બને છે.
શ્રી જે.જે. પટેલ ૨૦૦૬થી સતત બાર કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય છે અને ચૂંટણીની તમામ નાની-મોટી ગૂંચવણો તથા વ્યૂહરચનાથી તેઓ સંપૂર્ણપણે પરિચિત છે. તેમની કુશળ અને અનુભવી રણનીતિના પરિણામે સમરસ ગ્રુપ દર વખત નોંધપાત્ર સફળતા મેળવે છે.
૨૦૦૬માં ૧૩, ૨૦૧૨માં ૧૬ અને ૨૦૧૭માં ૨૦ ઉમેદવારોની જીત સાથે સમરસ ગ્રુપની સફળતાનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે.
આગામી ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શ્રી જે.જે. પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેમની આયોજનબદ્ધ રણનીતિ અનુસાર હાલ સૌરાષ્ટ્રમાંથી રહેલી ૪ સીટો વધીને ૫ અથવા ૬ થવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ‘‘અઠમ ખેલાડી'' તરીકે ઓળખાતા શ્રી જે.જે. પટેલનો આ સૌરાષ્ટ્ર પ્રવાસ અનેક મહત્વપૂર્ણ પરિવર્તનો લાવશે તેવી વકીલ સમાજમાં ચર્ચા છે.
ટેલિફોનિક વાતચીત દરમિયાન શ્રી જે.જે. પટેલે જણાવ્યું હતું કે ‘‘મારા સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સમરસ ગ્રુપની સૌરાષ્ટ્રની સીટો ચોક્કસ વધે તેવી મજબૂત અને વ્યૂહાત્મક રણનીતિ સાથે હું રાજકોટ આવી રહ્યો છું.'
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
