<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ગુરુકુળ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર થઇ રહેલાં પ્રાકૃતિક કૃષિના સફળ પ્રયોગોના નિદર્શન માટે

રાજ્યપાલના નેતૃત્વમાં કૃષિમંત્રી જીતુભાઈ વઘાણી સહિતનું ૧૦ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રવાસે

ગાંધીનગર :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સમગ્ર દેશના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરી રહ્યા છે. જે અંતર્ગત હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રમાં ૨૦૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિના તેમણે કરેલા સફળ પ્રયોગોના નિદર્શન માટે રાજ્યપાલના નેતૃત્વમાં કૃષિમંત્રી જીતુભાઈ વઘાણી સહિતનું ૧૦ સભ્યોનું પ્રતિનિધિ મંડળ આજથી બે દિવસ સુધી ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રવાસે છે. આ પ્રતિનિધિ મંડળની સાથે રાજ્યના ૮ જેટલા ખેડૂતો પણ જોડાશે. જ્યાં તેઓ ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે પ્રાકૃતિક કૃષિ ફાર્મ, ગૌ શાળા, અર્શ વિદ્યાલયા અને નેચરોથેરાપી સેન્ટર સહિતના સ્થળોની મુલાકાત લેશે.    
આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યના પ્રતિનિધિ મંડળ સાથે વિચાર વિમર્શ કરશે.  પ્રતિનિધિ મંડળ ગુરુકુળ કુરુક્ષેત્રની ભુમિ પર થઈ રહેલી પ્રાકૃતિક કૃષિની વિસ્તૃતમાં જાણકારી મેળવશે. આજે જ્યારે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા માટે પ્રાકૃતિક કૃષિ મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે, ત્યારે પ્રાકૃતિક કૃષિથી થતાં ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવશે.
ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રવાસ દરમિયાન રાજયપાલ સાથે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાધાણી,રાજ્ય મંત્રી રમેશ કટારા, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી.મીણા, ખેતી નિયામક આર.પી.રાજપૂત સહિત કૃષિ અને બાગાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાશે.    


 

(6:55 PM IST)