News of Tuesday, 3rd February 2026
કેન્દ્રિય બજેટ ૨૦૨૬-૨૭ ‘વિકસિત ભારત ૨૦૪૭'ની બ્લુ પ્રિન્ટ અને આગામી ૨૫ વર્ષનો રોડમેપ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા
૫૩.૫ લાખ કરોડનું સર્વસ્પર્શી બજેટ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને સાર્થક કરશે : ગિફ્ટ સિટીમાં ટેક્સ હોલીડે, લોથલ-ધોળાવીરાનો વિકાસ અને સુરત સુધીનો ફ્રેઇટ કોરિડોર ગુજરાત માટે આશીર્વાદરૂપ

ગાંધીનગર, તા. ૩ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આવકાર્યું છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપા કાર્યાલય ‘કમલમ' ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ ભારતના ‘સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઈટ ડિરેક્શન'ના અભિગમને દર્શાવે છે અને દેશની યુવાશક્તિ, નારીશક્તિ, કિસાન શક્તિ તેમજ શ્રમિક શક્તિને કેન્દ્રમાં રાખે છે.
ગુજરાત માટે બજેટની મહત્વની ફાળવણીઓ
જગદીશભાઈ વિશ્વકર્માએ ગુજરાત સંદર્ભે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બજેટથી રાજ્યના MSME અને ટેક્સટાઈલ ઉદ્યોગોને મોટું બળ મળશે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો મુજબઃ
ગિફ્ટ સિટીઃ૨૦ વર્ષ સુધી ટેક્સ હોલીડે લંબાવવામાં આવતા વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને રોજગારીની તકો સર્જાશે.
પર્યટન અને વારસોઃ લોથલ અને ધોળાવીરા સહિત દેશના ૧૫ પુરાતત્વ સ્થાનોના વિકાસ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરઃ પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીનો ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર ગુજરાતના વેપારને નવી ગતિ આપશે.
આરોગ્ય : જામનગરમાં સ્થિત WHO ના ગ્લોબલ મેડિકલ સેન્ટરનું અપગ્રેડેશન કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
શહેરી વિકાસ : ૫ લાખથી વધુ વસ્તી ધરાવતા ટીયર ૨ અને ૩ શહેરોને ‘સિટી ઇકોનોમિક રીઝન' બનાવવાથી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો બનશે.
નારીશક્તિ અને યુવાશક્તિ પર ભાર
મહિલા સશક્તિકરણ માટે ‘શી માર્ટ્સ' (Self Help Entrepreneur Mart) શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ૧૦ કરોડથી વધુ મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનશે. દરેક જિલ્લામાં મહિલા હોસ્ટલ બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે. યુવાનો માટે AVGC ક્ષેત્રમાં ૨૦૩૦ સુધીમાં ૨૦ લાખ પ્રોફેશનલ્સની માંગને પહોંચી વળવા ૧૫,૦૦૦ શાળાઓ અને ૫૦૦ કોલેજોમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ' સ્થાપવામાં આવશે.
ખેડૂતો અને આરોગ્ય ક્ષેત્રે રાહત
ખેડૂતો માટે AI આધારિત ‘Bharat Vistaar Tool' લોન્ચ કરાશે જે પાક અને હવામાનની માહિતી પૂરી પાડશે. પશુપાલન ક્ષેત્રે ૨૦,૦૦૦ વેટરિનરી ડૉક્ટરોને તાલીમ અને મત્સ્ય ઉદ્યોગ માટે ૫૦૦ નવા જળાશયોના વિકાસનો સંકલ્પ કરાયો છે. આરોગ્ય ક્ષેત્રે કેન્સરની ૧૭ દવાઓ પરથી ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરવાના નિર્ણયથી ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી થશે. ભારતને મેડિકલ ટુરિઝમ હબ બનાવવા ૫ રીજનલ મેડિકલ હબ અને ૩ આયુષ એઇમ્સનું નિર્માણ થશે.
પરિવહન અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા
બજેટમાં ૭ હાઈ-સ્પીડ રેલ કોરિડોર, ૨૦ નવા રાષ્ટ્રીય જળમાર્ગ અને ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન ૨.૦ જેવી મહત્વની યોજનાઓ સામેલ છે. ‘મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ' અને ‘સમર્થ ૨.૦' જેવી યોજનાઓ દ્વારા ગ્રામીણ અને ઔદ્યોગિક વિકાસને વેગ અપાશે.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ અને બજેટ જનજાગરણ અભિયાનના ઇન્ચાર્જ જૈનિકભાઈ વકિલ ઉપસ્થિત રહ્યા હતા. આ અખબારી યાદી પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જારી કરવામાં આવી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
