<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

સુરત ટ્રાફિક પોલીસની લાલ આંખ : વ્હાઈટ હેડલાઇટ અને નો-હોકિંગ મામલે સ્પેશિયલ ડ્રાઈવ : એક દિવસમાં 1,999 કેસ નોંધાયા

60 દિવસની ઝુંબેશમાં 1.42 લાખથી વધુ વાહનચાલકો દંડાયા : કમિશનર અનુપમસિંહ ગેહલોત અને DCP પન્ના મોમાયાના માર્ગદર્શન હેઠળ શહેરને અકસ્માતમુક્ત બનાવવા એક્શન પ્લાન

રાજકોટ, તા. 3 ફેબ્રુઆરી : સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને જોખમી રીતે વાહન ચલાવનારાઓ વિરુદ્ધ પોલીસ વિભાગે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતના ગૃહ મંત્રાલય અને ગાંધીનગરથી છૂટેલા આદેશો બાદ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરના રસ્તાઓ પર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખાસ કરીને આંખે અંધારા લાવી દેતી વ્હાઈટ ફ્લેશ લાઈટ તેમજ ઘોંઘાટ કરતા હોર્ન વિરુદ્ધ વિશેષ ડ્રાઈવ રાખવા સૂચના આપી હતી.
રવિવારની વિશેષ કાર્યવાહી અને દંડની વિગત
ગત રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પોલીસે 'નો હોકિંગ'ના 11 કેસ અને નિયમ વિરુદ્ધની વ્હાઈટ ફ્લેશ લાઈટના 9 કેસ નોંધી કુલ 15,500 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સિગ્નલ ભંગ અને ઓવરસ્પીડ જેવા ગુનાઓમાં શહેરના ચાર રિજિયન મળીને કુલ 1,999 કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં રિજિયન-1 માં 779, રિજિયન-2 માં 207, રિજિયન-3 માં 821 અને રિજિયન-4 માં 192 કેસનો સમાવેશ થાય છે.
60 દિવસમાં 1.42 લાખ વાહનચાલકો પર ત્રાટકી પોલીસ
ડીસીપી ટ્રાફિક પન્ના એમ મોમાયાના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં ગત 28 નવેમ્બર 2025 થી 1 ફેબ્રુઆરી 2026 સુધીની વિશેષ ડ્રાઈવ દરમિયાન કુલ 1,42,478 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ ચાલકો પાસેથી સ્થળ પર અને મોફોન એપના માધ્યમથી દંડની વસૂલાત કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત રિજિયન-1 માં 48,854, રિજિયન-2 માં 22,498, રિજિયન-3 માં 54,078 અને રિજિયન-4 માં 17,048 કેસ નોંધાયા છે.
સ્માર્ટ સિટી એક્શન પ્લાન અને અધિકારીઓની હાજરી
સુરતને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે ટ્રાફિક સિગ્નલ પ્રથાને વધુ મજબૂત બનાવાઈ છે. હવે મોડી રાત્રે પણ વાહનચાલકો સ્વયંશિસ્ત જાળવી સિગ્નલ પર ઊભા રહેતા જોવા મળે છે. ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ, ડીસીપી પન્ના એમ મોમાયા અને અનુપમા સહિત મદદનીશ કમિશનર ગામીત, ભરવાડ, શેખ અને ટંડેલ જેવા ઉચ્ચ અધિકારીઓ જાતે રસ્તા પર ઉતરીને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
ગેરકાયદે વ્હાઈટ લાઈટ અને લક્સ મીટરનો અભાવ
વાહનોમાં લગાડવામાં આવતી મોડિફાઈડ વ્હાઈટ લાઈટના કારણે સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જતી હોવાથી ગંભીર અકસ્માતો સર્જાય છે. જોકે, પોલીસ અને આરટીઓ પાસે હાલ લાઈટની તીવ્રતા માપવા માટેનું 'લક્સ મીટર' ઉપલબ્ધ નથી, તેમ છતાં પોલીસ કમિશનરે લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. આગામી સમયમાં આવા સાધનો વેચનારા ઓથોરાઈઝ્ડ ડીલરો અને એસેસરીઝ વેપારીઓ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે. માર્ગ અકસ્માત અને જાનહાનિ ઘટાડવા માટે શહેરભરના રસ્તાઓ પર સ્પીડ લિમિટના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

(2:26 PM IST)