News of Wednesday, 4th February 2026
સુરતમાં સુગંધ ફેલાવતી પરફ્યુમ બ્રાન્ડમાં ટેક્સચોરીની 'વાસ' : મોતીવાલા પર્ફ્યુમ પર દરોડો: 3.40 કરોડની ટેક્સ ચોરી ઝડપાઈ
સેન્ટ્રલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા મોટી કાર્યવાહી: 10 કરોડથી વધુના પર્ફ્યુમ બિલ વિના વેચાયા: સ્ટોક અને વેચાણમાં મોટો તફાવત

સુરતમાં હવે અત્તરના વેપારીઓ પણ તપાસના દાયરામાં આવ્યા છે. શહેરની પ્રખ્યાત પેઢી 'મોતીવાલા પરફ્યુમ' પર સેન્ટ્રલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં કરોડો રૂપિયાની જીએસટી ચોરીનો પર્દાફાશ થતાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. તપાસમાં સામે આવ્યું છે કે પેઢી દ્વારા કાચા બિલ અને ચોપડા પર નોંધ્યા વગર વ્યવહારો કરીને સરકારને કરોડોનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો હતો
જીએસટી વિભાગના અધિકારીઓને તપાસ દરમિયાન ચોંકાવનારા દસ્તાવેજો અને પુરાવા હાથ લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોતીવાલા પરફ્યુમના સ્ટોક રજીસ્ટર અને વાસ્તવિક વેચાણ રેકોર્ડમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળ્યો છે. અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુના પરફ્યુમનું વેચાણ બિલ વિના કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. સામાન્ય રીતે પરફ્યુમ પર 18% GST લાગુ પડે છે, પરંતુ આ ટેક્સ બચાવવા માટે વેપારીએ બિનહિસાબી વ્યવહારો કર્યા હતા. કુલ મળીને રૂ.3.40 કરોડની ટેક્સ ચોરી પકડાઈ છે.
નોંધનીય છે કે મોતીવાલા પરફ્યુમ પર જીએસટી વિભાગની આ કોઈ પહેલી કાર્યવાહી નથી. આશ્ચર્યજનક રીતે, માત્ર છ મહિના પહેલા જ આ પેઢી પર તપાસ કરવામાં આવી હતી, જેમાં પણ ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી. 1986થી અત્તર અને પરફ્યુમના વ્યવસાયમાં સક્રિય આ પેઢી ગુજરાતભરમાં મોટું નેટવર્ક ધરાવે છે. વારંવારની તપાસ છતાં સુધારો ન આવતા વિભાગે હવે રૂ.3.40 કરોડની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. સેન્ટ્રલ જીએસટી વિભાગે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કરચોરી કરનારાઓ સામે હવે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
