<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

બારડોલી-મઢી ફાટક ૧૫ એપ્રિલ સુધી બંધ : ઓવરબ્રિજની કામગીરીને પગલે રૂટ ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

વાહનચાલકોએ હવે અસ્તાન કેનાલ રોડ અને તરસાડા-કડોદ માર્ગનો ઉપયોગ કરવો પડશે : જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા સામે શિક્ષાત્મક કાર્યવાહીની તંત્રની ચીમકી

સુરત, તા. 5 ફેબ્રુઆરી : સુરત જિલ્લાના બારડોલી અને મઢી વચ્ચે આવેલા રેલવે ક્રોસિંગ નંબર ૨૫ પર નિર્માણ પામી રહેલા રોડ ઓવરબ્રીજ (ROB) ની કામગીરીને વધુ ગતિ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વાહનચાલકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારી દ્વારા એક સત્તાવાર જાહેરનામું બહાર પાડીને આ રસ્તો અવરજવર માટે સંપૂર્ણપણે બંધ જાહેર કરવામાં આવ્યો છે.
૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધી ડાયવર્ઝન અમલી:
રેલવે પોલ નં. ૨૭/૧૫ થી ૨૭/૧૬ વચ્ચે ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી ફાટક નંબર ૨૫ આગામી ૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધી વાહનો માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરો અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નિયત રૂટ ડાયવર્ઝનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે.
મુસાફરો માટે જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટની વિગતો:
 * અસ્તાન-કડોદથી બારડોલી જવા માટે: અસ્તાન, ધામડોદ અને કડોદ ગામ તરફથી આવતા ભારે તેમજ લાઈટ વાહનોએ ફરજિયાતપણે "અસ્તાન કેનાલ રોડ"નો ઉપયોગ કરવાનો રહેશે.
 * સુગર ફેક્ટરી અને બારડોલી શહેર: બાબેન સુગર ફેક્ટરી અથવા બારડોલી નગરપાલિકા વિસ્તારમાં જવા ઈચ્છતા વાહનચાલકો માટે પણ કેનાલ રોડ મુખ્ય વિકલ્પ રહેશે.
 * અન્ય વૈકલ્પિક માર્ગ: વાહનચાલકો તરસાડા-કડોદ-બારડોલી-સરભોણ-નવસારી રોડ (એલ.સી. નં. ૨૬) પરથી પણ પસાર થઈ શકશે.
 * પરત ફરવા માટે: બારડોલી કે બાબેનથી અસ્તાન-ધામડોદ તરફ જવા માટે પણ અસ્તાન કેનાલ રોડનો ઉપયોગ કરી શકાશે.
રેલવે ઓવરબ્રીજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

(1:57 PM IST)