<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

પરીક્ષાને તણાવ નહીં પણ સફળતાનું પ્લેટફોર્મ બનાવો : સુઘડની શાળામાં ‘પરીક્ષા પે ચર્ચા’ના નવમા સંસ્કરણમાં વિદ્યાર્થીઓ સાથે સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રેરણાત્મક સંદેશ : બાળકો અભ્યાસની જેમ મોબાઈલ-ટીવી જોવાનો પણ સમય નક્કી કરે : ડિપ્રેશનમાં આવ્યા વિના સ્વસ્થ મનથી પરિસ્થિતિનો સામનો કરવા મુખ્યમંત્રીનો અનુરોધ

 

ગાંધીનગર, તા. 6 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર અને નિષ્ફળતાનો ભય દૂર કરવાના ઉમદા હેતુથી શરૂ કરાયેલા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું નવમું સંસ્કરણ દેશભરમાં યોજાયું હતું. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરના સુઘડ સ્થિત આનંદ નિકેતન શાળાના છાત્રો સાથે સહભાગી થયા હતા અને વડાપ્રધાનના માર્ગદર્શનને બાળકો સાથે નિહાળ્યું હતું.
પરીક્ષા એ મહેનતનું પ્રતિબિંબ છે:
ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા એ જીવનની અંતિમ કસોટી નથી, પરંતુ તે આપણી મહેનતનું પ્રતિબિંબ છે. તેમણે બાળકોને સ્ટ્રેસ (તણાવ) ને સક્સેસ (સફળતા) માં બદલવાનું આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ ખાસ ભાર મૂકતા કહ્યું કે, વિદ્યાર્થીઓએ ડિપ્રેશનમાં આવ્યા વિના જીવનમાં સંતુલન જાળવવું જોઈએ અને કોઈપણ પરિસ્થિતિનો સ્વસ્થ મનથી સામનો કરવો જોઈએ.
મોબાઈલના વળગણ અંગે ટકોર:
વર્તમાન સમયમાં યુવા પેઢીમાં વધી રહેલા ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગ અંગે ટીપ્પણી કરતા મુખ્યમંત્રીએ શિખ આપી હતી કે, બાળકો જેમ અભ્યાસ, વાંચન અને રમત-ગમતનું ટાઈમ ટેબલ બનાવે છે, તેમ મોબાઈલ અને ટીવી જોવાનો પણ એક ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ. મોબાઈલની આદત કે વળગણ કેળવવાને બદલે તેનો મર્યાદિત ઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વના કદાચ એકમાત્ર એવા નેતા છે જે દર વર્ષે પરીક્ષા પૂર્વે બાળકો સાથે પ્રત્યક્ષ સંવાદ કરી તેમને પ્રેરણા આપે છે, તેમ પણ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનું સંબોધન:
આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સમજણ અને સદાચાર એમ ‘૩-S’ ના નિર્માણ માટે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. તેમણે વાલીઓને પણ સંતાનો સાથે કુશળ વ્યવહાર કરવા અને વિદ્યાર્થીઓને પરીક્ષાને એક ઉત્સવ કે અવસર તરીકે માણવા વિનંતી કરી હતી.
ઉપસ્થિત મહાનુભાવો:
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાં બહેન પટેલ, ધારાસભ્યો શ્રીમતી રિટાબહેન પટેલ અને અલ્પેશભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબહેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્ર તરફથી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે, બોર્ડના ચેરમેન એમ.એ. પંડ્યા, કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ તથા શાળાના ટ્રસ્ટી વિવેકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

(3:08 PM IST)