News of Friday, 6th February 2026
એકતા નગર (કેવડિયા) ખાતે ભવ્ય જૈન જિનાલયનો અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન

( ભરત શાહ દ્વારા ) નર્મદા :વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓળખાતા એકતા નગર (કેવડિયા) ખાતે નવનિર્મિત ભવ્ય જૈન જિનાલયનો અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા અને ધાર્મિક ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો.
શુદ્ધ સફેદ માકરાણા માર્બલથી નિર્મિત આ જિનાલયમાં ભગવાન આદિનાથજીની મનોહર કાયોત્સર્ગ પ્રતિમાઓ તેમજ ભગવાન ગૌતમ સ્વામીજીની ધાતુ પ્રતિમાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ પ્રતિષ્ઠા મહોત્સવ જૈન આચાર્યોના શુભ આશીર્વાદ તથા સંતોના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી સતત પાંચ દિવસ સુધી યોજાયેલી વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાવભેર ભાગ લીધો હતો.
પ્રાચીન જૈન શૈલીમાં નિર્મિત મંદિરની રચનામાં પાલીતાણા (શત્રુંજય) તીર્થની પ્રેરણા સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. મંદિરનું નિર્માણ મિનાબેન વિનયચંદ કોઠારી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતા એકતા નગરને વધુ એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક આકર્ષણ પ્રાપ્ત થયું છે. જૈન શ્રદ્ધાળુઓ માટે આ સ્થળ ભક્તિ અને ઉપાસનાનું એક વિશેષ કેન્દ્ર બની રહેશે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
