<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ત્રણ માસ માટે રાજકોટ - અમદાવાદ મનપા સહિતની સ્‍થાનિક સંસ્‍થાઓમાં ‘વહીવટદાર રાજ'

મીની વિધાનસભા સમાન ચૂંટણીઓની તૈયારીઓ અંગે સોમવારે રાજ્‍ય ચૂંટણી પંચની બેઠક - તમામ કલેક્‍ટર્સ સાથે વીડિયો કોન્‍ફરન્‍સિંગથી પંચ સમીક્ષા કરશે : રાજ્‍યની નવરચિત સાથેની ૧૭ મહાનગરપાલિકા, ૮૦ નગરપાલિકા, ૩૧ જિલ્‍લા અને લગભગ ૧૮૦થી વધુ તાલુકા પંચાયતોમાં ત્રણેક માસ માટે વહીવટદાર રાજ લાગુ થાય તેવી શક્‍યતા છે

અમદાવાદ  તા.૭: કેન્‍દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધર્યો છે તેના પગલે અમદાવાદ સહિત રાજ્‍યની નવરચિત સાથેની ૧૭ મહાનગરપાલિકા, ૮૦ નગરપાલિકા, ૩૧ જિલ્‍લા અને લગભગ ૧૮૦થી વધુ તાલુકા પંચાયતોમાં ત્રણેક માસ માટે વહીવટદાર રાજ લાગુ થાય તેવી શક્‍યતા છે. હાલ ગુજરાત સહિત ૧૨ રાજ્‍યોમાં મતદાર યાદીમાં ખાસ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તેના પગલે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ નવી મતદાર યાદી સુનિヘતિ થયા પછી જ યોજવામાં આવનાર છે. આ સંદર્ભમાં ૯ માર્ચના રોજ રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા તમામ કલેક્‍ટરો સાથે ચૂંટણીઓ સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવનાર છે.

હાલ કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાંથી નામ કમી કરવા સંદર્ભે અલગ અલગ જિલ્‍લાઓમાં આવેલી અરજીઓ પર પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી ૧૭ ફેબ્રુઆરીના રોજ સુધારેલી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. આ સુધારેલી યાદી પ્રસિદ્ધ ન થાય ત્‍યાં સુધી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીઓ યોજી શકાય તેમ નથી. ૨૦૨૧-૨૨માં ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન મીની વિધાનસભા સમાન ગણાતી આવી ચૂંટણીઓ કોરોનાની નિયંત્રણો વચ્‍ચે યોજવામાં આવી હતી. જોકે, આ વખતે મતદાર યાદી આખરી ન થઇ હોવાથી તેમાં વિલંબ થવાની શક્‍યતા છે એમાં બીજું કારણ એ છે કે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન માધ્‍યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ, એ પછી શાળાકીય પરીક્ષાઓ શરૂ થશે. આમ, એપ્રિલ અંત કે મેના પ્રથમ પખવાડિયામાં સ્‍થાનિ સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ તબક્કાવાર રીતે યોજવી પડે એમ છે. સોમવારે રાજ્‍ય ચૂંટણી પંચની બેઠકમાં કલેક્‍ટરો સાથે ચર્ચાના આધારે આંશિક રીતે સ્‍થિતિ સ્‍પષ્ટ થશે.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખનો પાંચ વર્ષનો કાર્યકાળ આગામી ૯ માર્ચના રોજ પૂરો થઇ રહ્યો છે. આથી ૯ માર્ચથી નવા મેયર સહિતના પદાધિકારીઓની વરણી થાય ત્‍યાં સુધી આવશ્‍યક સેવા માટે જરૂરી નિર્ણયો લેવાની તમામ સત્તા મ્‍યુનિસિપલ કમિશનરને આપવાનો ઠરાવ સ્‍ટેન્‍ડિંગ કમિટીએ મંજૂર કર્યો છે. આગામી ૯ માર્ચે ચૂંટાયેલા મ્‍યુનિ.પ્રતિનિધિઓનો કાર્યકાળ પૂર્ણ થશે, પછી તમામ કમિટીની સત્તા પૂર્ણ થશે. ખાસ કરી શહેરના વિવિધ વિકાસ કામોના ટેન્‍ડર પાસ કરવાની સત્તા કમિટી ચેરમેન પાસે હોય છે. જેમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન સમક્ષ આ દરખાસ્‍ત રજૂ થયા બાદ તેના ખર્ચની બાબતને મંજૂરી અપાય છે. જ્‍યારે સ્‍ટેન્‍ડિંગ કમિટીના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં આવી કામગીરી માટે ટેન્‍ડરની મંજૂરી માટે ખાસ વ્‍યવસ્‍થા નથી. આવશ્‍યક સેવા કે આકસ્‍મિક ખર્ચ માટે કમિશનરને આવી કામગીરીમાં ખર્ચ કરવાની સત્તા અપાય છે. સ્‍ટેન્‍ડીંગ કમિટીએ આ દરખાસ્‍તને મંજૂર કરી છે.

(9:56 AM IST)