<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની વહીવટી અને ટેકનિકલ સત્તાઓમાં ધરખમ વધારો કરાયો

મોંઘવારી અને મટીરીયલના વધતા ભાવને પગલે વર્ષો જૂના નિયમોમાં ફેરફાર : હવે ચીફ એન્જિનિયર ૩ કરોડ સુધીના અને સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર ૬૦ લાખ સુધીના કામોને મંજૂરી આપી શકશે

ગાંધીનગર, તા. 7 ફેબ્રુઆરી : ગુજરાત સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા વિકાસકામોને વધુ વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પબ્લિક વર્ક્સ રૂલ્સ (GPWR) હેઠળ વિભાગના ટેકનિકલ અધિકારીઓને સોંપવામાં આવેલી નાણાકીય અને વહીવટી સત્તાઓની મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. બજારમાં મટીરીયલ, મજૂરી અને પરિવહન ખર્ચમાં થયેલા તોતિંગ વધારાને ધ્યાનમાં રાખીને સરકારે સત્તાનું પ્રતિનિયોજન (Delegation of Powers) સુધાર્યું છે.
બદલાયેલી આર્થિક સ્થિતિ મુજબ સત્તાનું વિસ્તરણ:
સરકારના મતે, અગાઉ જે સત્તાઓ સોંપવામાં આવી હતી તે સમયના ભાવ અને અત્યારની આર્થિક સ્થિતિમાં મોટો તફાવત છે. ટેકનિકલ અધિકારીઓ વધુ કાર્યક્ષમતાથી અને ઝડપથી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી શકે તે હેતુથી આ મર્યાદાઓ વધારવામાં આવી છે. હવે માર્ગો, સરકારી મકાનો, રહેણાંક આવાસો, સિંચાઈ અને જળ પુરવઠાને લગતા કામો માટે અધિકારીઓ પોતાની કક્ષાએથી જ વહીવટી મંજૂરી આપી શકશે.
અધિકારીઓ મુજબ નવી સત્તાની મર્યાદા:
સુધારેલા નિયમો અનુસાર, વિવિધ કેડરના અધિકારીઓની સત્તાઓ નીચે મુજબ રહેશે:
 * સચિવ: વિભાગના સચિવને તમામ પ્રકારના કામો માટે હવે 'સંપૂર્ણ સત્તા' (Full Powers) આપવામાં આવી છે.
 * ચીફ એન્જિનિયર: ચીફ એન્જિનિયર હવે ૩ કરોડ રૂપિયા સુધીના કામો માટે વહીવટી મંજૂરી આપી શકશે.
 * સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર (સિવિલ): સિવિલ વિભાગના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયરને ૬૦ લાખ રૂપિયા સુધીની સત્તા સોંપાઈ છે.
 * સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ-મિકેનિકલ): આ સંવર્ગના અધિકારીઓ ૪૫ લાખ રૂપિયા સુધીના કામો મંજૂર કરી શકશે.
ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને સુવિધાઓ માટે વિશેષ જોગવાઈ:
માત્ર સિવિલ કામો જ નહીં, પરંતુ સરકારી મકાનોમાં એર-કંડિશનિંગ (AC), લિફ્ટ અને કૂલર જેવી સુવિધાઓના કામો માટે પણ વિવિધ કેડરના એન્જિનિયરોને ૧૫ લાખથી લઈને ૭૫ લાખ રૂપિયા સુધીની નાણાકીય સત્તાઓ સોંપવામાં આવી છે. આ નિર્ણયથી નાના-મોટા સમારકામ અને નવી સુવિધાઓ ઉભી કરવા માટે છેક ગાંધીનગર સુધી ફાઈલો મોકલવાની જરૂરિયાત ઘટશે અને સ્થાનિક કક્ષાએ જ પ્રશ્નોનો ઉકેલ આવશે. આ ફેરફારથી રાજ્યમાં ચાલતા વિવિધ બાંધકામ પ્રોજેક્ટ્સની ગતિમાં વધારો થવાની શક્યતા છે.

(4:46 PM IST)