<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

વડોદરાના કપુરાઈ વિસ્તારમાં 'કેશવ બ્લીઝ' સાઇટના બિલ્ડર સુમિત પટેલની લાખોની ઠગાઈ કેસમાં ધરપકડ

કે, બિલ્ડરે ફરિયાદીની જાણ બહાર તેમની ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા અને કબજા વગરનો બાનાખત કરી ઠગાઈ આચરી

વડોદરા: શહેરના કપુરાઈ વિસ્તારમાં 'કેશવ બ્લીઝ' સાઇટના બિલ્ડરે ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી, બોગસ દસ્તાવેજો બનાવી લાખોની ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે કપુરાઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઠગ બિલ્ડરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

 

વડોદરાના કપુરાઈ વિસ્તારમાં આવેલી 'કેશવ બ્લીઝ' નામની સાઇટના બિલ્ડર સુમિત નારાયણ પટેલે મિલકત ખરીદનારાઓ સાથે છેતરપિંડીની યોજના ઘડી હતી. બિલ્ડરે દુકાનોના વેચાણ દસ્તાવેજ કરી આપવાને બદલે ખોટા અને બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હતા. આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, બિલ્ડરે ફરિયાદીની જાણ બહાર તેમની ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા હતા અને કબજા વગરનો બાનાખત કરી ઠગાઈ આચરી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમણે જે દુકાનો ખરીદી હતી તેના નિયમ મુજબ વેચાણ દસ્તાવેજ કરી આપવા માટે બિલ્ડર પાસે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જોકે, બિલ્ડર સુમિત પટેલ દસ્તાવેજ કરી આપવાના બહાને સતત ગોળગોળ વાતો કરી સમય પસાર કરતો હતો. આ દરમિયાન બિલ્ડરે પોતાની કરતૂત છુપાવવા માટે રદબાતલ ગણાય તેવો બાનાખત લેખ તૈયાર કરી દીધો હતો, જેથી કાયદાકીય ગૂંચ ઉભી કરી શકાય.

 

જ્યારે ફરિયાદીને પોતાની સાથે થયેલી છેતરપિંડી અને ખોટી સહીઓનો ભાંડો ફૂટ્યો હોવાની જાણ થઈ, ત્યારે તેમણે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ તેજ કરી અને આરોપી બિલ્ડર સુમિત નારાયણ પટેલને ઝડપી પાડ્યો છે. પોલીસ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ બિલ્ડરે અન્ય કોઈ ગ્રાહકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી છે કે કેમ. વડોદરામાં મિલકત ખરીદતી વખતે દસ્તાવેજોની ખરાઈ કરવી કેટલી જરૂરી છે તે આ કિસ્સો સાબિત કરે છે. બિલ્ડર દ્વારા કરવામાં આવતા બાનાખત અને અન્ય કાગળોમાં પોતાની જ સહી છે કે નહીં અને તે રેરા (RERA) ના નિયમો મુજબ છે કે નહીં તેની તપાસ કરવી અનિવાર્ય છે. કપુરાઈ પોલીસની આ કામગીરીને કારણે અન્ય પીડિતો પણ હવે સામે આવે તેવી શક્યતા છે.

(6:49 PM IST)