News of Saturday, 7th February 2026
સાંસદ મનસુખભાઈ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર દાહોદનો શખ્સ ઝડપાયો, બે ફરાર
એડિટ કરેલા વીડિયો વાયરલ કરી ધમકી આપનાર ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે ગુનો દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના રાજકારણ માં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વાકયુદ્ધે હવે કાયદાકીય વળાંક લીધો છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અશોભનીય ટિપ્પણી અને ધમકી આપવાના મામલે રાજપીપળા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સાંસદના જમાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક આરોપીને દાહોદથી ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.
સમગ્ર વિવાદની શરૂઆત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની એક જાહેર સભાથી થઈ હતી, જેમાં તેમણે જનમેદનીને ‘હભભભ’ નારા લગાવવા આહવાન કર્યું હતું. આ મુદ્દે વળતો પ્રહાર કરતા સાંસદ મનસુખભાઈ વસાવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જે લુખ્ખા તત્વો હોય તે જ આવા નારા લગાવે અને બીજા પાસે પણ બોલાવડાવે. સાંસદના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમને નિશાન બનાવી વાંધાજનક પોસ્ટનો મારો ચલાવવામાં આવ્યો હતો.
ગત 27 જાન્યુઆરી 2026ના રોજ ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપ દ્વારા ‘વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન’ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ આપેલા સંબોધનનો ઓરિજિનલ વીડિયો મેળવી કેટલાક શખ્સોએ તેને જાણીજોઈને એડિટ કર્યો હતો. આ એડિટ કરેલા વીડિયોમાં અત્યંત અશ્લીલ અને ધમકીભર્યા શબ્દો ઉમેરી તેને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવ્યો હતો. સાંસદ હાલ દિલ્હીમાં બજેટ સત્રમાં હોવાથી, તેમના સોશિયલ મીડિયા હેન્ડલર ભાવિક પુરોહિતે આ અંગે જાણ કરતા અંતે સાંસદના જમાઈ વિક્રાંત સીતારામ વસાવાએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજપીપળા પોલીસે ફરિયાદ ના આધારે સાયબર સેલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. વાયરલ વીડિયો કયા આઈડી પરથી અપલોડ થયા છે તેની તપાસ કરી પોલીસે એક આરોપીને લોકેટ કર્યો હતો. રાજપીપળા પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે જ બાતમી મળી હતી કે મુખ્ય આરોપી દાહોદ વિસ્તારમાં છુપાયેલો છે, જેના આધારે ત્યાં દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
રાજપીપળા પોલીસે લાલો નાગજી ડામોર ને પોલીસે દાહોદ વિસ્તારમાંથી શોધી કાઢી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. તથા મનોજ પરમાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. અજિત માવી, આ ત્રીજા આઈડી ધારક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે, જે હાલ ફરાર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
