News of Sunday, 8th February 2026
મહુડી તીર્થમાં ભક્તિના ઓથલે ‘સોનાની લંકા’: 130 કિલો સુવર્ણની ઉચાપતના આક્ષેપથી જૈન સમાજમાં ખળભળાટ
ટ્રસ્ટીઓ પર કરોડોના નાણાકીય કૌભાંડ અને બેનામી મિલકતો વસાવવાના ગંભીર આરોપો; પતરાના ટેસ્ટિંગમાં 64 કિલો સોનું ગાયબ હોવાનો દાવો અને પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટરમાં બોગસ એન્ટ્રીઓ મામલે ગાંધીનગરમાં ધડાકો

ગાંધીનગર: આસ્થા અને વિશ્વાસના પ્રતીક સમાન મહુડી જૈન તીર્થધામ હાલમાં ભક્તિને બદલે ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે વિવાદના એરણે ચઢ્યું છે. શ્રી મહુડી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટના આજીવન સભ્યો અંકિત મહેતા અને જયેશ મહેતાએ ગાંધીનગરમાં એક સ્ફોટક પ્રેસ કોન્ફરન્સ યોજી ટ્રસ્ટી મંડળ સામે આંગળી ચીંધી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભગવાનના શરણોમાં ચઢાવવામાં આવેલા 130 કિલો જેટલા અધધ સોનાનો કોઈ જ હિસાબ નથી. આ મામલે ટ્રસ્ટીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવતા સનસનાટી મચી ગઈ છે.
આક્ષેપ મુજબ, ટ્રસ્ટના રેકોર્ડ પર રહેલા 65 કિલો સોના વિશે એવું જણાવાયું હતું કે તે મંદિરને મઢવા માટે વપરાયું છે. જોકે, જ્યારે આ સોનાના પતરાનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે તેમાં માત્ર 1 કિલો સોનું જ વપરાયું છે, જ્યારે બાકીનું 64 કિલો સોનું ક્યાં ગયું તેનો ટ્રસ્ટીઓ પાસે કોઈ જવાબ નથી. આ ઉપરાંત, છેલ્લા પાંચ દાયકાથી દાદાના અંગ પર ચઢાવવામાં આવતા વરખમાંથી ઉતરતું અંદાજે 100 કિલો સોનું પણ ચોપડે નોંધાયું નથી. આ આક્ષેપોને પગલે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પારદર્શક તપાસની માંગ ઉઠી છે.
વિવાદ માત્ર સોના સુધી મર્યાદિત નથી, પરંતુ ટ્રસ્ટના વહીવટમાં પણ વ્યાપક ગેરરીતિના આક્ષેપો થયા છે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટર (PTR) પર હાલમાં માત્ર એક જ ટ્રસ્ટી હયાત છે, જ્યારે બાકીના મૃત્યુ પામ્યા છે. આ ખાલી પડેલી જગ્યાઓનો લાભ લઈ ભૂપેન્દ્ર વોરા સહિતના 8 વ્યક્તિઓએ ખોટા લેટરહેડ અને ઠરાવો ઊભા કરી પોતાની જાતને ટ્રસ્ટી તરીકે પ્રસ્થાપિત કરી દીધા છે. આ ગેરકાયદેસર નિમણૂકો સામે ચેરિટી કમિશનરમાં પણ વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેના કારણે હાલ ટ્રસ્ટની કાયદેસરતા સામે સવાલો ઉભા થયા છે.
સામે પક્ષે ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે આક્ષેપ કરનાર અંકિત મહેતા અને જયેશ મહેતાનું સભ્યપદ 2024માં જ રદ કરી દેવામાં આવ્યું છે અને તેમને ટ્રસ્ટ સાથે હવે કોઈ લેવાદેવા નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે આ લોકો પોતે જ ખોટા કાગળો બનાવીને ટ્રસ્ટી થવા માંગતા હતા જે પ્રયાસ ચેરિટી કમિશનરે નિષ્ફળ બનાવ્યો છે. આમ, એક તરફ કરોડોનું સોનું ગાયબ હોવાના દાવા અને બીજી તરફ સત્તાની લડાઈ વચ્ચે મહુડી તીર્થનો વિવાદ હવે ન્યાયિક લડાઈ તરફ વળ્યો હોય તેવું લાગી રહ્યું છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
