News of Sunday, 8th February 2026
વાપીની દીકરી દીતા પટેલે રાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું નામ રોશન કર્યું : રિધમિક જિમ્નાસ્ટિક્સમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી 69મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં દીતા હિતેશ પટેલે ગૌરવભરી સફળતા મેળવી : રાજ્યની પ્રતિભાશાળી જિમ્નાસ્ટ તરીકે ઉભરી આવી

વાપી : રમતગમત ક્ષેત્રે ગુજરાતની યુવા શક્તિ રાષ્ટ્રીય ફલક પર પોતાની તેજસ્વીતા પાથરી રહી છે. વલસાડ જિલ્લાના વાપીની પુત્રી દીતા હિતેશ પટેલે પશ્ચિમ બંગાળમાં આયોજિત પ્રતિષ્ઠિત રમત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યનું નામ દેશભરમાં ઉજાગર કર્યું છે. દીતાએ આ સફળતા રમતજગતના અત્યંત કઠિન ગણાતા રિધમિક જિમ્નાસ્ટિક્સ વિભાગમાં મેળવી છે.
બ્રોન્ઝ મેડલ પર જમાવ્યો કબજો:
પશ્ચિમ બંગાળ ખાતે 'સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SGFI)' દ્વારા 69મી નેશનલ સ્કૂલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોના શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્તરની આ કડી સ્પર્ધામાં દીતા પટેલે પોતાના લયબદ્ધ કૌશલ્ય અને અદભૂત રમતનું પ્રદર્શન કરી રિધમિક જિમ્નાસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ (કાંસ્ય ચંદ્રક) પ્રાપ્ત કર્યો છે.
કઠિન પરિશ્રમ અને અડગ આત્મવિશ્વાસનું પરિણામ:
દીતા પટેલની આ સિદ્ધિ પાછળ તેની વર્ષોની કઠિન તાલીમ, અવિરત મહેનત અને ક્યારેય ન હાર માનવાનો અડગ આત્મવિશ્વાસ રહેલો છે. આ સફળતા સાથે દીતા ગુજરાત તરફથી રિધમિક જિમ્નાસ્ટિક્સમાં રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતનાર ગણ્યાગાંઠ્યા પ્રતિભાશાળી ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. દીતાની આ જીતથી તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે અને તેની શાળા તથા વલસાડ જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
યુવાઓ માટે બની પ્રેરણા:
રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ગુજરાતના અનેક યુવાઓ માટે દીતા પટેલ આજે એક આદર્શ અને પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. દીતાની સફળતામાં તેના પરિવારનો મક્કમ સહકાર, શાળાનો પ્રોત્સાહક અભિગમ અને માર્ગદર્શકોની સચોટ તાલીમે પાયાની ભૂમિકા ભજવી છે. આ સિદ્ધિ પુરવાર કરે છે કે જો યોગ્ય તક, સુવિધા અને પ્રોત્સાહન મળે, તો ગુજરાતની દીકરીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતના મેદાનમાં વિજયધ્વજ લહેરાવી શકે છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
