News of Sunday, 8th February 2026
થરાદથી યાત્રાધામ ઢીમાને જોડતા મુખ્ય માર્ગ કરોડોનો રોડ કે કાંકરીનો કહેર? : વાહન ચાલકો ભારે ત્રાહિમામ
લાંબા સમયથી ડામર કામ અધૂરું રહેતા ઉડતી ધૂળ અને બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકો તેમજ રહીશોમાં ભારે રોષ

થરાદથી યાત્રાધામ ઢીમાને જોડતા મુખ્ય માર્ગના પહોળા કરવાની કામગીરી કરોડોના ખર્ચે શરૂ તો કરાઈ, પરંતુ તે હવે સ્થાનિકો માટે મુસીબત બની ગઈ છે. લાંબા સમયથી ડામર કામ અધૂરું રહેતા ઉડતી ધૂળ અને બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકો તેમજ રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રની ઢીલી નીતિને લીધે યાત્રાળુઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે, જેને પગલે આ કામ સત્વરે પૂર્ણ કરવાની માંગ ઉઠી છે.
વાવ, ધરણીધર અને રાજસ્થાનના બાખાસરને જોડતો આ અતિ મહત્વનો માર્ગ અત્યારે વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. હજારો વાહનોની દૈનિક અવરજવર ધરાવતા યાત્રાધામ ઢીમાથી થરાદ રોડ પર ડામરને બદલે માત્ર કપચી પાથરીને છોડી દેવાતા અકસ્માતનો ભય વધી ગયો છે. ઉડતી કપચી અને બિસ્માર રસ્તાને કારણે યાત્રાળુઓ અને સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે
માર્ગ પર ડામરના અભાવે અત્યારે માત્ર કાંકરી અને ધૂળના ઢગલા જ નજરે પડી રહ્યા છે, જેના કારણે આખો રસ્તો જોખમી બન્યો છે. અહીંથી પસાર થતા બાઈકચાલકો સ્લિપ થઈ રહ્યા છે, તો કાર અને ભારે વાહનોના ચાલકોને પણ ધૂળના ગોટાને કારણે રસ્તો જોવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્રની આ લાપરવાહીને કારણે વાહનચાલકો દરરોજ હાલાકી વેઠી રહ્યા છે અને અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
વાહનચાલકોના જણાવ્યા અનુસાર, ઢીમા-ઠેરીયાણા રોડનું કામ લાંબા સમયથી લટકી પડતા હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. રસ્તા પર પથરાયેલી કાંકરીઓને કારણે વાહનોના ટાયર ફાટવાના બનાવો વધી રહ્યા છે, જે ગંભીર અકસ્માતને નોતરે છે. ધરણીધર ભગવાનનું પવિત્ર મંદિર નજીક હોવાથી શ્રદ્ધાળુઓની સતત અવરજવર રહે છે, તેમ છતાં તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ માર્ગનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવતું નથી, જે અત્યંત આઘાતજનક છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
