તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Monday, 9th February 2026
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,ધરમપુર ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા ત્રિ-દિવસીય ‘રિફ્રેશર ટ્રેનિંગ કેમ્પ’નું આયોજન કરાયું
કેમ્પમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાના યોગ કો-ઓર્ડિનેટર્સ અને યોગ કોચ ઉત્સાહભેર સહભાગી થયા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં રાજ્યના ખૂણે-ખૂણે યોગની જ્યોત પ્રજ્વલિત કરવાના ઉમદા હેતુથી વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે તા.૦૬ થી ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય વિશેષ 'રિફ્રેશર ટ્રેનિંગ કેમ્પ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાના યોગ કો-ઓર્ડિનેટર્સ અને યોગ કોચ ઉત્સાહભેર સહભાગી થયા હતા.
આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના યોગ નેતૃત્વને વધુ સજ્જ અને કુશળ બનાવવાનો છે. અહીં તાલીમ મેળવી જિલ્લા કો-ઓર્ડિનેટર્સ અને યોગ કોચ આગામી સમયમાં તેમના કાર્યક્ષેત્રમાં લાખો નાગરિકોને યોગની તાલીમ આપશે અને નવા યોગ ટ્રેનર્સ તૈયાર કરશે. આ નવનિર્મિત યોગ ટ્રેનર્સ સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક યોગ વર્ગો શરૂ કરી છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આપણું લક્ષ્ય 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનને જન-જન સુધી પહોંચાડવાનું છે. આ રિફ્રેશર કેમ્પ દ્વારા તૈયાર થયેલા માસ્ટર ટ્રેનર્સ રાજ્યના ખૂણે ખૂણે જઈને તંદુરસ્ત સમાજના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવશે.
આ કેમ્પમાં યોગાભ્યાસની સાથે સાથે આધુનિક જીવનશૈલીના રોગો સામે લડવા માટે પ્રાકૃતિક ચિકિત્સા અને આહાર વિજ્ઞાનના વિશેષ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું. જેના દ્વારા યોગ કોચ નાગરિકોને શારીરિક અને માનસિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે સજ્જ થશે.
આ અભિયાન દ્વારા ગુજરાત આગામી સમયમાં વૈશ્વિક સ્તરે યોગ ક્ષેત્રે એક નવી ઓળખ પ્રસ્થાપિત કરશે અને લાખો નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે તેમ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવવાનું છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
