<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

વાપીમાં ભડકમોરા વિસ્તારમાં અજાણ્યા યુવકની હત્યા

પથ્થરના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઇઃએક અજાણ્યા યુવકની પથ્થરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે

વલસાડ : વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપી શહેરમાં ફરી એકવાર લોહીયાળ જંગ ખેલાયો હોય તેમ એક સનસનીખેજ હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાપીના ભડકમોરા વિસ્તારમાં એક અજાણ્યા યુવકની પથ્થરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.વાપીના ભડકમોરા વિસ્તારમાં આજે સવારે સ્થાનિક લોકોએ એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોયો હતો. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકના મોઢા અને માથાના ભાગે પથ્થરના જીવલેણ ઘા ઝીંકીને તેને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. હત્યારાઓએ એટલી ક્રૂરતા દાખવી છે કે યુવકની ઓળખ છુપાવવા માટે ચહેરાને પણ ક્ષત-વિક્ષત કરવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે.

બનાવની જાણ થતા જ વલસાડ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ ગંભીર ગુનાના ભેદ ઉકેલવા માટે પોલીસે ડોગ સ્ક્વોડ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની મદદ લીધી છે. હાલમાં પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ વિધિ કરવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને ગુમ થયેલા લોકોની યાદી તપાસવામાં આવી રહી છે.

(10:39 PM IST)