News of Wednesday, 11th February 2026
નવસારી ભાજપના નવા સંગઠનની જાહેરાત થતા ભડકો : નવનિયુક્ત હોદ્દેદારોએ જ પોતાના રાજીનામા ફગાવ્યા
જલાલપુર વિસ્તારના ચાર અગ્રણીઓએ જાહેર કર્યું કે “અવગણનાની રાજનીતિ” હવે સ્વીકાર્ય નથી:શહેર ભાજપમાં રાજકીય ગરમાવો

નવસારી ભાજપમાં નવા સંગઠનની જાહેરાત થતા જ રાજકીય ધરતી ધ્રૂજી ઊઠી છે. પદ વિતરણની ખુશી કરતાં વધુ અસંતોષની ગૂંજ શહેર ભાજપના દરવાજા સુધી પહોંચી ગઈ છે. નવનિયુક્ત હોદ્દેદારોએ જ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા અને એ પણ સ્પષ્ટ સંદેશ સાથે રાજીનામાં આપ્યા છે, જલાલપુર વિસ્તારના ચાર અગ્રણીઓએ જાહેર કર્યું કે “અવગણનાની રાજનીતિ” હવે સ્વીકાર્ય નથી. પરિણામે શહેર ભાજપમાં રાજકીય ગરમાવો અચાનક વધી ગયો છે.
રાજીનામા આપનારાઓમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ, જિલ્લા સંગઠન મંત્રી ચેતના પટેલ છે. ચારેય નેતાઓ જલાલપુર વિસ્તારના નેતાઓ છે.
આ ચારેયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વર્ષોથી તેમના વિસ્તાર અને કાર્યકરોની અવગણના થઈ રહી છે. પદ મળ્યા છતાં માન-સન્માન ન મળ્યું રાજીનામાની રીત પણ બની ચર્ચાનો વિષય ઘટનાનો સૌથી ચોંકાવનારો ભાગ રહ્યો રાજીનામા આપવાનો દ્રશ્ય. નેતાઓ જિલ્લા પ્રમુખનો સંપર્ક કરે છે, કાર્યાલય મંત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે પરંતુ બંને હાજર રહેવામાં અસમર્થતા દર્શાવે છે.
“હું બહાર છું, રાજીનામા ટેબલ પર મૂકી દેજો.” અને પછી? ચારેય નેતાઓ કાર્યાલયે પહોંચ્યા, પોતાના રાજીનામા પત્ર પ્રમુખના ટેબલ પર મૂકી અને નિઃશબ્દ બહાર નીકળી ગયા. આ દ્રશ્ય પોતે જ ઘણું કહી જાય છે. પ્રશ્ન ઉઠે છે જો રાજીનામું સ્વીકારવા પણ કોઈ હાજર ન હોય, તો અવગણનાની ફરિયાદમાં કેટલું સત્ય હશે?
આ રાજીનામાં નવસારી ભાજપ માટે આ ઘટના ચેતવણી સમાન છે. કારણ કે સંગઠન મજબૂત હોય ત્યારે જ રાજકીય મંચ પર વિશ્વાસ ટકે છે. હવે નજર એ પર છે કે શું પાર્ટી આ અસંતોષને સમયસર સમજી સંવાદ દ્વારા ઉકેલશે? કે પછી આ રાજીનામા ભવિષ્યના વધુ મોટા રાજકીય ઝંઝાવાતનું સંકેત છે? નવસારીનું રાજકારણ હાલ ઉકળતા પાણી જેવું છે અને આગામી દિવસો ઘણી દિશામાં વળાંક લાવી શકે છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
