<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

પાટીદાર આંદોલન કેસમાં MLA હાર્દિક પટેલને મોટી રાહત

વર્ષ ૨૦૧૮માં નિકોલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા કેસમાં સરકાર પક્ષે ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા ગ્રામ્‍ય કોર્ટમાં પૂર્ણ કરી

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસમાં ધારાસભ્‍ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. વર્ષ ૨૦૧૮માં નિકોલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા કેસમાં સરકાર પક્ષે ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા ગ્રામ્‍ય કોર્ટમાં પૂર્ણ કરી છે.

મળતી માહિતી મુજબ, કલેક્‍ટર અને સરકારી વકીલ દ્વારા ફરિયાદ પાછી ખેંચવા અંગે જરૂરી અભિપ્રાય અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કેસમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનો સામે ટ્રાયલ ચાલી રહી હતી.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ વિસ્‍તારમાં પ્રતીક ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે પરવાનગી વિના ધરણાં કરવા, લોકોને ઉશ્‍કેરવા અને પોલીસને અપશબ્‍દો બોલવાના આક્ષેપો હેઠળ ગુનો નોંધાયો હતો.

હવે સરકાર દ્વારા કેસ પરત ખેંચવાની કાર્યવાહી પૂર્ણ થતા હાર્દિક પટેલ અને અન્‍ય આરોપીઓને કાનૂની રાહત મળવાની શકયતા વધી ગઈ છે. કોર્ટ દ્વારા અંતિમ આદેશ જાહેર થયા બાદ કેસ સત્તાવાર રીતે બંધ થશે. રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને મહત્‍વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં કોર્ટના અંતિમ નિર્ણય પર સૌની નજર રહેશે. 

(3:22 PM IST)