News of Friday, 13th February 2026
નર્મદાના નીલકંઠધામ-પોઈચા ખાતે માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ : રાજ્યભરના અધિકારીઓ ટેકનોલોજી અને જનસેવાના મંત્રો સાથે કરશે મનોમંથન
માહિતી ખાતું સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બાંધવાનું કામ કરે છે : માહિતી કમિશનર કે. એલ. બચાણીએ ‘સેવા એ જ સાધના, શબ્દની આરાધના’ ના મંત્ર સાથે અધિકારીઓને કર્યા પ્રોત્સાહિત : મીડિયા જગતના દિગ્ગજો અને લાઈફ કોચે કાર્યક્ષમતા વધારવા આપ્યું માર્ગદર્શન

નર્મદા, તા. 13 : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ચિંતન શિબિરની સફળતા બાદ હવે વિવિધ વિભાગો દ્વારા આ પ્રણાલીને આગળ ધપાવવામાં આવી રહી છે. આ શ્રેણીમાં આજે નર્મદા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નીલકંઠધામ-પોઈચા ખાતેથી માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનો (૧૩ અને ૧૪ ફેબ્રુઆરી) મંગલ પ્રારંભ થયો છે. માહિતી ખાતાની ભૂમિકાને વધુ વેગવાન બનાવવા અને બદલાતા સમય સાથે ટેકનોલોજીના પડકારોને પહોંચી વળવા રાજ્યભરના વર્ગ ૧-૨ ના અધિકારીઓ નર્મદાના કાંઠે મનોમંથન કરી રહ્યા છે.
માહિતી ખાતાનો ધર્મ: શબ્દની ગરિમા અને જનકલ્યાણ
શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે માહિતી કમિશનર કે. એલ. બચાણીએ પ્રેરક સંબોધન કરતા જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં માહિતીનો વ્યાપ અનંત બન્યો છે, ત્યારે છેવાડાના માનવી સુધી જ્યારે કોઈ સરકારી યોજના પહોંચે, ત્યારે તેમાં કોઈ ક્ષતિ કે ગેરસમજ ન રહે તેની તકેદારી રાખવી એ વિભાગની નૈતિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે, "આપણું કાર્ય માત્ર પ્રચાર-પ્રસાર પૂરતું સીમિત નથી, પણ સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ બાંધવાનું છે."
ચિંતન શિબિરની ટેગલાઈન ‘સેવા એ જ સાધના, શબ્દની આરાધના’ નો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે, શબ્દની ગરિમા જાળવવી એ જ આપણો પરમ ધર્મ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વાન્ત: સુખાય’ ના વિચારને ટાંકીને તેમણે જણાવ્યું કે, જ્યારે આપણી પ્રેસ રીલીઝ કે જાહેરાતથી કોઈ યુવાન સ્ટાર્ટઅપ શરૂ કરે અથવા કોઈ મહિલા ‘ડ્રોન દીદી’ બને, ત્યારે મળતો આત્મસંતોષ એ જ આપણી ખરી આરાધના છે.
જીવન મંત્ર: કામને ગમતું કરો અને શીખતા રહો
શિબિરમાં ઉપસ્થિત ટ્રેઈનર અને લાઈફ કોચ દીપકભાઈ તેરૈયાએ 'કામને ગમતું કરો અથવા ગમતું કામ કરો' વિષય પર મૌલિક છણાવટ કરી હતી. તેમણે અધિકારીઓને તણાવમુક્ત રહેવા માટે દ્રષ્ટિકોણ બદલવા અને સતત શીખતા રહેવા પર ભાર મૂક્યો હતો. તેમણે હેલ્થ, વેલ્થ, કરિયર અને રિલેશનશિપ વચ્ચે સંતુલન જાળવવાની કળા સમજાવી હતી. આ પ્રસંગે કવિ કૃષ્ણ દવેએ પોતાની કાવ્યાત્મક શૈલીમાં કવિતા પઠન કરી જીવનનો ગૂઢ મર્મ સમજાવ્યો હતો.
મીડિયા એક્સપર્ટ્સ સાથે સંવાદ
શિબિરમાં પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવગુજરાત સમયના એડિટર અજય ઉમટ, ઝી ૨૪ કલાકના હેડ ડૉ. દીક્ષિત સોની અને દિવ્ય ભાસ્કર ડિજિટલના સ્ટેટ એડિટર મનિષ મહેતાએ ભાગ લીધો હતો. આ નિષ્ણાતોએ માહિતી વિભાગ અને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તથા ડિજિટલ મીડિયા વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ કરવા અને માહિતીની વિશ્વસનીયતા જાળવી રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
આ શિબિરમાં માહિતી અને પ્રસારણ વિભાગના ઉપસચિવ દીપ પટેલ, મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદી, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ સહિત રાજ્યના તમામ સંયુક્ત, નાયબ અને સહાયક માહિતી નિયામકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિવેક ગોહિલ અને સુશ્રી રાધિકા વ્યાસે નાટ્યાત્મક પ્રસ્તુતિ દ્વારા રસપ્રદ રીતે કર્યું હતું. નર્મદાના તટે યોજાયેલી આ શિબિર માહિતી ખાતાના અધિકારીઓને નવી ઊર્જા અને નવા વિચારો સાથે જનસેવા માટે સજ્જ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
