News of Friday, 13th February 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 'શતાબ્દી શિક્ષા મહોત્સવ'ની ભવ્ય ઉજવણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવીન સ્કૂલ બોર્ડ ભવન અને ૧૫ સ્માર્ટ અનુપમ શાળાઓનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ: શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા:શતાબ્દી શિક્ષા મહોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગુજરાતની સંસ્કારિતા અને બૌદ્ધિક વિકાસનું જીવંત પ્રમાણ:શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 'શતાબ્દી શિક્ષા મહોત્સવ' અંતર્ગત નવનિર્મિત સ્કૂલ બોર્ડ ભવન તથા સ્માર્ટ શાળાઓના લોકાર્પણ અને શ્રેષ્ઠ શાળાઓ તથા શિક્ષકોના એવોર્ડ વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો.
સ્કૂલ બોર્ડના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાયેલા 'શતાબ્દી શિક્ષા મહોત્સવ' કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરંગપુરા ખાતે ₹૧૦.૬૧ કરોડના ખર્ચે નવનિર્મિત 'સ્કૂલ બોર્ડ ભવન'નું લોકાર્પણ કર્યું હતું. ભવનની મુલાકાત દરમિયાન તેમણે 'સ્પાર્ક પ્રોજેક્ટ' હેઠળ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કૃતિઓ નિહાળી હતી. મુખ્યમંત્રીએ બાળકોની વિવિધ કલા પ્રસ્તુતિઓને બિરદાવી હતી તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વરદ્હસ્તે ₹૧૬.૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૧૫ સ્માર્ટ અનુપમ શાળાઓનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સન્માનિત કરવામાં આવનાર ૧૦૦ શ્રેષ્ઠ શાળાઓ અને ૧૦૦ શિક્ષકો પૈકી પ્રતિકાત્મક રીતે ૬ શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓને ચેક અને એવોર્ડ તથા ૬ શ્રેષ્ઠ શિક્ષકોને ચેક, શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
'શતાબ્દી શિક્ષા મહોત્સવ'માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે ૧૦૦ વર્ષ પહેલાં જે નૈતિક મૂલ્યો અને આત્મનિર્ભરતાના પાયા પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્થાપના કરી હતી, તે આજે ૪૫૩ શાળાઓ સાથે વટવૃક્ષ બની છે. શિક્ષણથી રાષ્ટ્રનિર્માણના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્રને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી સાકાર કરી રહી છે.
અમદાવાદ સ્કૂલ બોર્ડ સાથે વાઇસ ચેરમેન તરીકેના પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આપણા સમર્પિત શિક્ષકો જ્ઞાન પીરસવાની સાથે-સાથે વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચીને તેમની વ્યક્તિગત કાળજી લે છે એ ખરેખર બિરદાવવા લાયક છે. શિક્ષકોની આ જ નિષ્ઠાનું પરિણામ છે કે સરકારી શાળાઓ વિશેની જૂની માન્યતાઓ બદલાઈ છે અને ખાનગી શાળાઓ છોડીને ૫૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધ્યું છે અને ડ્રોપ ડેટ રેટ શૂન્યની નજીક લઈ જવામાં આપણને સફળતા મળી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કન્યાઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય સ્વરૂપે પ્રોત્સાહન પૂરું પાડતી નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સહિતની મહત્વની યોજનાઓ અને રાજ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઝડપી અને યોગ્ય અમલીકરણનો પણ આ તકે ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર આપી રહી છે. કેન્દ્રીય બજેટમાં શિક્ષણ મંત્રાલય માટે અગાઉ કરતા ૮.૨૭% ના વધારા સાથે ૧.૩૯ લાખ કરોડની જોગવાઈ અને અટલ ટિંકરિંગ લેબ્સ માટે ૩૨૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેથી બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજીના વ્યવહારિક અનુભવ મેળવી શકે.
હવેનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ફ્યુચરિસ્ટિક શિક્ષણનો છે. વડાપ્રધાનએ આ સમયને એસ્પિરેશનલ ઈન્ડિયા તરીકે ઓળખાવ્યો છે અને આ માટે બજેટમાં પણ અનુરૂપ જોગવાઈઓ કરી છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપણે જ્ઞાન, સંસ્કાર અને ટેકનોલોજીના સમન્વય સાથે આગળ વધવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું.
'શતાબ્દી શિક્ષા મહોત્સવ' કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, શતાબ્દી શિક્ષણ મહોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગુજરાતની સંસ્કારિતા અને બૌદ્ધિક વિકાસનું જીવંત પ્રમાણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના છેવાડાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપવાના સ્વપ્નને સાકાર કરવા આજે શાળાઓ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ બની છે. જ્યારે બાળક ડિજિટલ સ્ક્રીન પર ભૌગોલિક ઘટનાઓ અને વૈજ્ઞાનિક પ્રયોગો નિહાળે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ સાચી સફળતામાં પરિણમે છે. મંત્રીએ અનેકવિધ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા સ્કૂલ બોર્ડના નવા ભવનને વહીવટી કાર્યક્ષમતા વધારનારું ગણાવ્યું હતું.
નવી શિક્ષણ નીતિ (NEP-2020) અને 'મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ' હેઠળ થઈ રહેલા ક્રાંતિકારી ફેરફારોનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, સરકાર માત્ર ઇમારતો નથી બનાવી રહી પરંતુ આવતીકાલના ભારતના ભાગ્ય વિધાતાઓને ઘડી રહી છે.
શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી પણ એક પવિત્ર 'સાધના' છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, સમર્પિત શિક્ષકો જ બાળકના હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાવી શકે છે. મંત્રીશ્રીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 'અનુપમ શાળાઓ'ને સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ ગણાવી હતી અને આ શિક્ષણ યજ્ઞમાં વાલીઓ તથા દાનવીરોની ભાગીદારીને બિરદાવી હતી. બજેટ સત્રની વ્યસ્તતા વચ્ચે પણ શિક્ષણ પ્રત્યેની સંવેદનશીલતા દાખવી સમય ફાળવવા બદલ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ પ્રસંગે યુ. એન. મેહતા ફાઉન્ડેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સરખેજ ગાંધીનગર હાઈવેના બ્યુટીફિકેશન અર્થે એમઓયુ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્થાપિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દી વર્ષની ઉજવણી ગૌરવની ક્ષણ છે. તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓ જેવું જ અત્યાધુનિક અને સ્માર્ટ શિક્ષણ આપવાની મુખ્યમંત્રીની નેમની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, આજે સરકારી શાળાઓ એટલી સ્માર્ટ બની છે કે તેમાં પ્રવેશ માટે વાલીઓએ વેટિંગમાં રહેવું પડે છે.
નવરંગપુરા ખાતે અંદાજે રૂ.૧૦.૬૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત સ્કૂલ બોર્ડ ભવનની વિશેષતા એ છે કે હવે શિક્ષણ સમિતિના તમામ ૧૮ વિભાગો એક જ બિલ્ડિંગમાં કાર્યરત થશે, જેનાથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. છેલ્લા બે વર્ષથી પાલડી ખાતે કાર્યરત કચેરી હવે આધુનિક સુવિધાઓથી સજ્જ ચાર માળના નવા ભવનમાં કાર્યરત થતા પેન્શનરો અને વાલીઓને વહીવટી કામગીરીમાં મોટી રાહત મળશે.
કાર્યક્રમના અંતે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
'શતાબ્દી શિક્ષા મહોત્સવ' કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના ધારાસભ્યઓ, અગ્રણી પ્રેરકભાઈ શાહ, અમદાવાદના ડે. મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને હોદ્દેદારો, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડે. ચેરમેન વિપુલ સેવક, શાસનાધિકારી એલ.ડી.દેસાઈ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા સ્કૂલ બોર્ડની શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
