News of Friday, 13th February 2026
કપડવંજના ઝઘડુપુર ગામે લગ્ન પ્રસંગમાં ડી.જે. આઈસર ટ્રકની જોખમી સ્ટંટબાજી :લોકોની મેદની વચ્ચે ચાલકે વાહન ઊંચું કર્યું
બાઈક ચાલકોએ પણ રોડ પર નાચતા-નાચતા જોખમી રીતે વાહનો હંકારી ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો

ખેડા જિલ્લામાં વધુ એક DJ સંચાલકોની બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કપડવંજ તાલુકાના ઝઘડુપુર ગામે એક લગ્ન પ્રસંગના વરઘોડામાં DJ આઈસર ટ્રકના ચાલકે અનેક લોકોની હાજરીમાં જોખમી સ્ટંટ કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મીનાવડામાં બે DJ સંચાલકોએ હરીફાઈ કરતાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે તેમ છતાં આવી હરકતો વારંવાર જીલ્લામાંથી સામે આવતાં ખળભળાટ મચ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડુપુર ગામમાં યોજાયેલા એક વરઘોડામાં DJ આઈસર ટ્રકને આગળના ભાગથી ઊંચી કરી ખતરનાક રીતે સ્ટંટ કર્યા હતા. આ સમયે આસપાસ મોટી સંખ્યામાં લોકો નાચી રહ્યા હતા. જો સહેજ પણ સંતુલન બગડ્યું હોત, તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. તેમ છતાં લોકોના જીવ જોખમમાં મૂકી આ કરતબ ચાલુ રાખ્યા હતા.
માત્ર આઈસર જ નહીં, પરંતુ કપડવંજથી ઝઘડુપુર સુધીના માર્ગ પર બાઈક સવારોએ પણ ભારે અરાજકતા ફેલાવી હતી. વરઘોડામાં સામેલ બાઈક ચાલકો ચાલુ બાઈકે નાચતા નજરે પડ્યા હતા. મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અવરોધીને કરવામાં આવેલી આ હરકતોથી અન્ય વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે DJ સંચાલકો અને બાઈક ચાલકો જાહેર માર્ગ પર લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. અગાઉ પણ ખેડા જિલ્લામાં આવા સ્ટંટ સામે આવ્યા છે, ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓ પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા કરે છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
