<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ગુજરાતીઓના દિલમાં વસતા ગરબાનો વિરોધ કોઈ ગુજરાતી કેમ કરી શકે?

VMC એક રૂપિયાના ટોકન પર ગરબા માટે પ્‍લોટ આપતી હોવાની સામેની રિટ હાઇકોર્ટે રદ કરી

 

અમદાવાદ,તા.૧૪: વડોદરા મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક રૂપિયાના ટોકન પર છેલ્‍લો ૩૦થી વધુ વર્ષોથી એક આયોજકને ગરબાના આયોજન માટે પ્‍લોટની ફાળવણી કરતી હોવાના આક્ષેપ સાથે થયેલી જાહેરહિતની અરજી ચીફ જાસ્‍ટિસની ખંડપીઠે ફગાવી કાઢી છે. ચીફ જસ્‍ટિસ સુનિતા અગ્રવાલ અને જાસ્‍ટિસ ડી.એન. રેડની ખંડપીઠે પાર્ટી ઇન પર્સન તરીકે હાજર વડોદરાના અરજદારને સવાલ કર્યો હતો કે,‘જો તમે ગુજરાતના જ રહેવાસી છો તો તમને ખબર જ હશે કે ‘ગરબા' તો દરેક ગુજરાતીના ‘દિલ' અને ‘આત્‍મા'માં વસે છે. ત્‍યારે તમે એક ગુજરાતી થઇને એવો વિરોધ કઇ રીતે કરી શકો. ગરબા તો ગુજરાતની અર્વાચીન પરંપરા અને સંસ્‍કૃતિ છે. ત્‍યારે જો કોર્પોરેશન ગુજરાતના સ્‍થાનિક નૃત્‍ય ગરબાનો પ્રચાર-પ્રસાર કરે એમાં ખોટું શું છે?'

વડોદરાના રહેવાસી અને લોકસભાની ચૂંટણી લડી ચુકેલા અને વ્‍યવસાયે લીગલ એડવાઇઝર રાહુલ વ્‍યાસે પાર્ટી ઇન પર્સન તરીકે આ મામલે જાહેરહિતની અરજી કરી દલીલ કરી હતી કે,‘વડોદરા મ્‍યુ. કોર્પો. છેલ્‍લા ૩૦ વર્ષોથી એક આયોજકને જ પક્ષપાત કરીને માત્ર એક રૂપિયાના ભાવે પ્‍લોટ ફાળવે છે. આ રીતે અંદાજિત ૬૦૦ કરોડનું નુકસાન કોર્પોરેશનને થયું છે. આયોજન એક રૂપિયાના ટોકન દરે પ્‍લોટ લઇને ઉંચી કીંમતો પર ગરબાના પાસ વેચી ધંધો કરે છે અને કોર્પોરેશન નુકસાન વેઠે છે. ત્‍યારે એક જાગૃત શહેરી તરીકે આ રિટ કરવામાં આવી છે.'

હાઇકોર્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,‘કોર્પોરેશનના નુકસાનની ચિતા કોર્પોરેશનને કરવા દો. તમે જે મુદ્દો ઉઠાવી રહ્યા છો એ જાહેરહિતનો નથી અંગત હિતનો છે. આ માટે જાહેરહિતની અરજીનો ઉપયોગ કરી શકાય નહીં. આ કોઇ મંચ નથી કે તમે અહીં ભાષણબાજી કરો. અહીં દરેક વસ્‍તુ કાયદા હેઠળ જ થાય એના સિવાય નહીં.'

વડોદરા મ્‍યુ. કોર્પો. તરફથી એડવોકેટે અરજી અને અરજદારનો વિરોધ કરતાં કોર્ટને જાણ કરી હતી કે,‘કોર્ટ અરજદારના બેકગ્રાઉન્‍ડની ચકાસણી કરશે તો આ કેસ પાછળની મંશા જાહેર થઇ જશે.' કોર્ટે અરજદારને સવાલ કરતાં તેણે કહ્યું હતું કે,‘તે લીગલ એડવાઇઝર છે અને તેણે લોકસભાની ચૂંટણી પણ લડી છે.' ત્‍યારે હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,‘તમે જ્‍યારે ચૂંટણી લડો ત્‍યારે આવા મુદ્દે ભાષણ કરી શકો, કાયદાનો આવો દુરુપયોગ ન કરી શકો. જો હવે પછી તમે આવી અરજીઓ કરશો તો તમને દંડ કરાશે. '(૪૦.૧૩)

 

 

 

 

(10:22 AM IST)