News of Saturday, 14th February 2026
ભૂપેન્દ્રભાઈના હસ્તે ઉદય માહુરકર લિખિત પુસ્તકનું લોકાર્પણ
અમદાવાદમાં ‘રાષ્ટ્ર પ્રથમ' વિચારધારાનો ગુંજારવ દેશના પૂર્વ માહિતી કમિશનર અને વરિષ્ઠ પત્રકાર ઉદય માહુરકર ‘મારી રાષ્ટ્ર પ્રથમ કલ્પના' પુસ્તકનું વિમોચનઃ જગદીશ વિશ્વકર્મા, ભરત પંડયા અને ડો.જ્ઞાનવત્સલ સ્વામીની ઉપસ્થિતિ

અમદાવાદઃ દેશમાં વર્તમાન સમયમાં ચાલી રહેલા ‘નેરેટીવ વોર' અને ઈતિહાસની વિકૃતિઓ વચ્ચે સત્ય અને તથ્યો પર આધારિત સાચા રાષ્ટ્રવાદને ઉજાગર કરતો એક વિશેષ કાર્યક્રમ આજે અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે. વરિષ્ઠ પત્રકાર, લેખક અને ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકર લિખિત નવા પુસ્તક ‘મારી રાષ્ટ્ર પ્રથમ કલ્પના બિનશરતી રાષ્ટ્રવાદની સાચી પરિભાષા'ના ગુજરાતી સંસ્કરણનો ભવ્ય લોકાર્પણ સમારોહ આજે ૧૪ જાન્યુઆરીએ યોજાશે.
નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું વિમોચન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરત પંડ્યા પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વક્તા ડો. જ્ઞાનવત્સલ સ્વામી આશીર્વચન પાઠવશે.
શ્રી ઉદય માહુરકર ભારતીય સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોના જતન માટે સમર્પિત વિચારક છે. તેમણે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ફેલાતી અશ્લીલતા અને વિકૃતિ સામે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવી છે. વીર સાવરકરના 'બિનશરતી રાષ્ટ્રવાદ' પર આધારિત આ પુસ્તકમાં ભારતના અનેક જાટિલ પ્રશ્નોની છણાવટ કરવામાં આવી છે, જેમ કે ૧૯૪૭ પછી લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ પાછળના કારણો.
ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની ઐતિહાસિક ભૂમિકા.
બાદશાહ અકબરનું ઈતિહાસમાં સાચું મૂલ્યાંકન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વીર સાવરકરના રાષ્ટ્ર સુરક્ષા વિઝન વચ્ચેની સમાનતા.
ડો. બાબાસાહેબ આંબેડકર અને RSS ના વિચારો વચ્ચેનું વૈચારિક સામ્ય. આ લોકાર્પણ સમારોહ આજે (શનિવારે) સાંજે ૫ વાગ્યે તાજ સ્કાયલાઇન , સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે.. નવભારત સાહિત્ય મંદિર અને લેખક દ્વારા તમામ રાષ્ટ્રવાદી વિચારકોને આ કાર્યક્રમમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પુસ્તક ઈતિહાસના અનેક ગૂંચવણભર્યા પ્રશ્નોના જવાબો 'પરમ સત્ય' ના આધારે આપીને સમાજમાં નવી જાગૃતિ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
