<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

બરોડા ક્રિકેટ એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીનો જંગ : આવતીકાલે રામબાગ ખાતે મતદાન : રિવાઈવલ અને રોયલ - સત્યમેવ જયતે જૂથ આમનેસામને

31 હોદ્દાઓ માટે 62 ઉમેદવારો મેદાનમાં : ગેરસમજ ટાળવા 9 અલગ કલરના બેલેટ પેપર અને મતપેટીઓનો ઉપયોગ : પ્રણવ અમીન સામે સમરજીતસિંહ ગાયકવાડ અને સંજય પટેલની પેનલ વચ્ચે 13 વર્ષ બાદ રસાકસી

વડોદરા : સંસ્કારીનગરી વડોદરાના રમતગમત જગતની સૌથી બહુચર્ચિત એવી બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની ચૂંટણી આવતીકાલે 15 ફેબ્રુઆરી, 2026ના રોજ રામબાગ ખાતે યોજાવા જઈ રહી છે. સત્તા અને પ્રતિષ્ઠાના આ જંગમાં 13 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર રિવાઈવલ અને રોયલ જૂથ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. વર્ષ 2013ની ચૂંટણી બાદ હવે 2026માં રિવાઈવલ જૂથના પ્રણવ અમીન સામે રોયલ-સત્યમેવ જયતે જૂથના સમરજીતસિંહ ગાયકવાડ, સંજય પટેલ અને ડૉ. દર્શન બૈકર મેદાનમાં ઉતર્યા છે.
કલર-કોડેડ મતદાન અને વિશેષ વ્યવસ્થા
ચૂંટણી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક અને સરળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કુલ 31 હોદ્દાઓ માટે 62 ઉમેદવારો મેદાનમાં હોવાથી મતદારોમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ન સર્જાય તે હેતુથી આ વખતે 9 અલગ-અલગ કલરના બેલેટ પેપર અને તે જ રંગની 9 મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવશે. દરેક મતદારને એકસાથે તમામ 9 બેલેટ પેપર અપાશે અને જે તે રંગના બેલેટ પેપરને તે જ રંગની પેટીમાં નાખવું ફરજિયાત રહેશે. મતદાન મથક પર ભીડ ન થાય તે માટે ચાર ટેબલની વ્યવસ્થા કરાઈ છે, જ્યાં એક મતદારને અંદાજે 10 થી 12 મિનિટનો સમય લાગશે.
ચૂંટણી સ્ટાફ અને લાઈવ અપડેટ્સ
ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે 60 જેટલા અનુભવી કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે, જેમાં નિવૃત IAS અધિકારીઓ, પ્રોફેસરો અને નિવૃત નાયબ મામલતદારોનો સમાવેશ થાય છે. મતદાન મથકની અંદર ઉમેદવારના માત્ર બે જ પ્રતિનિધિઓને પ્રવેશ મળશે અને મીડિયાના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, બહાર ઉભેલા લોકો અને સમર્થકો માટે અંદરની પ્રક્રિયાની લાઈવ માહિતી આપવા માટે વિશાળ સ્ક્રીન મૂકવામાં આવશે.
ઉંમર અને પાત્રતા મુદ્દે ચર્ચા
ચૂંટણી પૂર્વે રોયલ-સત્યમેવ જયતે જૂથના ફાઇનાન્સ કમિટીના ઉમેદવાર શશીકાંત પટેલની ઉમેદવારી ચર્ચાના ચકડોળે ચડી છે. હાલ તેમની ઉંમર 69 વર્ષ અને 7 મહિના હોવાથી તેઓ આગામી ચાર મહિનામાં 70 વર્ષના થશે. BCAના બંધારણ મુજબ ઉમેદવારની ઉંમર 70 વર્ષથી ઓછી હોવી અનિવાર્ય છે અને તેઓ કોઈ પણ રાજકીય પક્ષ સાથે સક્રિય રીતે જોડાયેલા ન હોવા જોઈએ.
ચૂંટણીના મુખ્ય આકર્ષણો:
 * 13 વર્ષ બાદ રિવાઈવલ અને રોયલ જૂથ વચ્ચે સીધી ટક્કર.
 * 31 બેઠકો માટે કુલ 62 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ.
 * નવરંગી બેલેટ પેપર અને મતપેટીઓની અનોખી પદ્ધતિ.
 * મતદાન મથકની બહાર લાઈવ માહિતી માટે વિશાળ સ્ક્રીનનું આયોજન.
આવતીકાલે યોજાનાર આ મતદાનમાં વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ અને સભ્યો કોના પર પસંદગી ઉતારે છે તેના પર સૌની મીટ મંડાશે.

(4:53 PM IST)