તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Saturday, 14th February 2026
ગુજરાતમાં સાયબર ઠગોનો આતંક: પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની બજેટમાં 'સાયબર કમાન્ડ સેન્ટર' સ્થાપવાની મોટી માંગ, જાણો નાગરિકોની સુરક્ષા માટે શું આપ્યા સૂચનો
"સામાન્ય માણસની પરસેવાની કમાણી લૂંટાઈ રહી છે": ડિજિટલ ફ્રોડ અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવા સરકારને પૂર્વ મુખ્યમંત્રીની ટકોર

ગાંધીનગર: ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જનતાના હિતમાં અવાજ ઉઠાવ્યો છે. આગામી બજેટ પૂર્વે સરકારને આડે હાથ લેતા તેમણે જણાવ્યું હતું કે, મોટા વિકાસ પ્રોજેક્ટ્સની સાથે સાથે સામાન્ય નાગરિકોની આર્થિક અને શારીરિક સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની નૈતિક જવાબદારી છે.
ડિજિટલ ફ્રોડ સામે લાલબત્તી: AI આધારિત સિસ્ટમની જરૂરિયાત
પૂર્વ મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઠગો હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને જટિલ ઓટીપી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેડૂતો અને મધ્યમ વર્ગને નિશાન બનાવી રહ્યા છે. NCRB ના આંકડા ટાંકીને તેમણે રાજ્યમાં એક અત્યાધુનિક 'સાયબર કમાન્ડ સેન્ટર' સ્થાપવાની માંગ કરી છે. આ સેન્ટર દ્વારા શંકાસ્પદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર સતત નજર રાખી શકાય અને ભોગ બનનારને ત્વરિત મદદ મળી રહે તે માટે વિશેષ ફંડ ફાળવવાની તેમણે બજેટમાં રજૂઆત કરી છે.
ઝેર પીરસી રહ્યા છે ભેળસેળિયાઓ: સ્પેશિયલ ટાસ્ક ફોર્સની માંગ
માત્ર ડિજિટલ ચોરી જ નહીં, પણ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અંગે પણ 'બાપુ' એ આક્રમક વલણ અપનાવ્યું છે. બજારમાં ધમધમતા નકલી દૂધ, ઘી અને તેલના વેપલાને રોકવા માટે તેમણે બજેટમાં 'સ્પેશિયલ ટાસ્ક ફોર્સ' ની જોગવાઈ કરવા જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે લોકો જનતાના પેટમાં ઝેર પીરસી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી માટે સરકાર પાસે પૂરતા સંસાધનો હોવા જોઈએ.
બજેટમાં 'ડિજિટલ સુરક્ષા મિશન' નો પ્રસ્તાવ
શંકરસિંહ વાઘેલાએ આશા વ્યક્ત કરી છે કે સરકાર રાજકીય મતભેદો બાજુ પર મૂકીને આ સૂચનોને ગંભીરતાથી લેશે. તેમણે આગામી બજેટમાં 'ડિજિટલ અને નાણાકીય સુરક્ષા મિશન' શરૂ કરવા પર ભાર મૂક્યો છે, જેથી યુવાનોમાં જાગૃતિ આવે અને સાયબર અપરાધીઓમાં ડર પેદા થાય. જો સરકાર આ દિશામાં નક્કર પગલાં લેશે તો જ ગુજરાતનો સામાન્ય માણસ ખરા અર્થમાં સુરક્ષિત અનુભવશે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
