<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

નર્મદા જિલ્લાના દેવમોગરા એકમાત્ર એવું સ્થળ જ્યાં શિવરાત્રીના દિવસે શક્તિ એટલે કે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાની પૂજા થાય છે

ગુજરાત સહિત પાડોશી રાજ્યોના લાખો શ્રદ્ધાળુઓ પોતાની બાધા-આખડી પૂરી કરવા ઉમટી પડે છે

અમદાવાદ: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલું દેવમોગરાનું પાંડોરી માતાનું મંદિર આદિવાસી સંસ્કૃતિ અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. દર વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વથી અહીં પાંચ દિવસીય ભવ્ય મેળાનો પ્રારંભ થાય છે, જેમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યોના લાખો શ્રદ્ધાળુઓ પોતાની બાધા-આખડી પૂરી કરવા ઉમટી પડે છે.

 

સામાન્ય રીતે આખા દેશમાં મહાશિવરાત્રીએ ભગવાન શિવની આરાધના થાય છે, પરંતુ દેવમોગરા એકમાત્ર એવું સ્થળ છે જ્યાં શિવરાત્રીના દિવસે શક્તિ એટલે કે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાની પૂજા કરવામાં આવે છે. નેપાળના પશુપતિનાથ મંદિર જેવી અનોખી સ્થાપત્ય શૈલી ધરાવતું આ મંદિર પ્રકૃતિના ખોળે વસેલું છે. માન્યતા છે કે પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન અહીં વસવાટ કર્યો હતો, જેના કારણે આ સ્થળનું ધાર્મિક મહત્વ વિશેષ છે.

 

આ મેળાની સૌથી મોટી વિશેષતા અહીંની પૂજા પદ્ધતિ છે. આદિવાસી ભક્તો પોતે ખેતીમાં પકવેલો નવો ધાન્ય (અનાજ) સૌથી પહેલા માતાજીના ચરણે ધરે છે. શ્રદ્ધાળુઓ વાંસની ટોપલીમાં અનાજ ભરી, તેના પર કાપડ બાંધીને માથે મૂકી કલાકો સુધી લાઈનમાં ઊભા રહી માતાજીના દર્શન કરે છે. આ ઉપરાંત, અહીં માતાજીને પ્રસાદ તરીકે 'પહેલી ધારનો દેશી દારૂ' ચઢાવવાનો પણ પ્રાચીન રિવાજ છે. ભક્તો પોતાની બાધા પૂરી કરવા માટે જીવતા મરઘા કે બકરા પણ માતાજીના મંદિરે રમતા મૂકે છે.

 

ત્રણ રાજ્યોના લાખો શ્રદ્ધાળુઓનું મહેરામણ

આ મેળો માત્ર નર્મદા પૂરતો સીમિત નથી, પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોના આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો પગપાળા સંઘોમાં, બળદગાડામાં કે પોતાના વાહનો લઈને અહીં પહોંચે છે. મેળામાં આદિવાસી સ્ત્રીઓ પરંપરાગત વસ્ત્રો અને ગવી શૈલીના આભૂષણો સજીને આવે છે, જે આદિવાસી લોકસંસ્કૃતિના જીવંત દર્શન કરાવે છે. નર્મદા જિલ્લાનો આ સૌથી મોટો મેળો ગણાય છે, જ્યાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.

 

(2:03 PM IST)