News of Tuesday, 17th February 2026
૧૨૦ દિવસ પછી જીએસટી અપીલ સ્વીકારવાની ગુજરાત હાઈકોર્ટે ના પાડી
જીએસટી અધિકારીએ કરેલા હુકમ સામે ૧૨૦ દિવસમાં અપીલ કરવાનો નિયમ

અમદાવાદ,તા.૧૭: જીએસટી અધિકારીએ વેપારીની વિરુદ્ધમાં કોઈ પણ આદેશ કર્યો હોય તેવા કિસ્સામાં અધિકારી દ્વારા આપવામાં આવેલી નોટિસના ૧૨૦ દિવસમાં વેપારી અપીલ કરી શકે છે. ત્યારબાદ હાઇકોર્ટમાં જઈને અપીલ સ્વીકારવા માટે પિટિશન કરવામાં આવતી હોય છે. જોકે ગુજરાત હાઈકોર્ટે અલગ અલગ બે ચુકાદામાં ૧૨૦ દિવસ પછી કરવામાં આવેલી અપીલના કેસમાં અપીલ સ્વીકારવામાં આવશે નહીં તેવો ચુકાદો આપ્યો છે.
હરિઓમ ઈન્ડસ્ટ્રીઝના કેસમાં અપીલ દાખલ કરવામાં ૪૦૮ દિવસનો વિલંબ થયો હતો. અરજદારે દલીલ કરી હતી કે તેમને પોર્ટલ પર ઓર્ડર મુકાયો હોવાની જાણ નહોતી. કોર્ટે આ બહાનાને અસંતોષકારક ગણી અરજી ફગાવી દીધી હતી. જ્યારે બીજા મેસર્સ અગ્રવાલ એન્ટરપ્રાઈઝના કેસમાં અપીલમાં ૨૮૪ દિવસનો વિલંબ હતો. અરજદારે કમ્પ્યૂટરના જ્ઞાનનો અભાવ અને એકાઉન્ટન્ટની ભૂલનું કારણ આપ્યું હતું. કોર્ટે આ કારણને ગળે ઉતરે તેવું નથી કહીને નકારી કાઢ્યું હતું.
જીએસટી કાયદાની કલમ ૧૦૭(૪) હેઠળ અપીલ સત્તાધિકારી પાસે ૯૦ દિવસની મુદત બાદ માત્ર વધારાના ૩૦ દિવસ એટલે કે કુલ ૧૨૦ દિવસ સુધીનો વિલંબ માફ કરવાની સત્તા છે. બંધારણની કલમ ૨૨૬ હેઠળ હાઈકોર્ટ પાસે વિશાળ સત્તાઓ હોવા છતાં, તે કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી મહત્તમ સમયમર્યાદાનું ઉલ્લંઘન કરીને વિલંબ માફ કરી શકે નહીં. આવું કરવું એ વિધાનસભાનના ઈરાદાની વિરુદ્ધ ગણાશે. તેવું જણાવીને બંને કેસમાં થયેલા વિલંબને ધ્યાને રાખીને અપીલની અરજી સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત હાઈકોર્ટે એવું પણ નોંધ્યું હતું કે કરદાતાઓએ જીએસટી પોર્ટલ પર આવતા ઓર્ડર અને નોટિસ અંગે સતત જાગૃત રહેવું જોઈએ. પોર્ટલ પર ઓર્ડર મુકાયાની જાણ ન હોવી તે વિલંબ માફી માટે યોગ્ય કારણ ગણી શકાય નહીં. ભૂતકાળમાં જીએસટી અપીલ કરવાની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ હાઇકોર્ટના ઓર્ડરથી અપીલ સ્વીકારવામાં આવતી હતી. જ્યારે આ બે કેસમાં અપીલ સ્વીકારવાની ના પાડી દેતા હવે અપીલ કરવાની સમયમર્યાદા વીતી ગયા બાદ અપીલ કરી શકવાનો માર્ગ હાલ તો બંધ થઈ ગયો છે. જેથી સમયસર અપીલ કરવામાં આવે તો જ વેપારીને લાભ મળી શકવાનો છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
