<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

'' જો કોઈ પોલીસને પડકાર ફેંકશે કે 'દાદો' થવાનો પ્રયાસ કરશે, તો ગુજરાત પોલીસ તેને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપશે:હર્ષ સંઘવીની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી

સુરક્ષા સાથે સુખાકારીનો સંકલ્પ: પોલીસ પરિવાર માટે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત: પોલીસ પ્રજાની રક્ષા કરે અને સરકાર પોલીસના પરિવારની દરકાર કરે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:ગુજરાત બજેટ ૨૦૨૬: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી અને નાણામંત્રીનો માન્યો આભાર; પોલીસ પરિવાર માટે ઐતિહાસિક જાહેરાતને વધાવી

ગાંધીનગર :નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે સુરક્ષા અને સુખાકારીના સંકલ્પ સાથે પોલીસ વિભાગ દ્વારા રૂ. ૨૭૩ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સતત પાંચમી વખત રજૂ કરવામાં આવેલા રૂ. ૪.૦૮ લાખ કરોડના વિક્રમી અને ઐતિહાસિક અંદાજપત્રને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની નવી ક્ષિતિજો સર કરનારું ગણાવ્યું છે. તેમણે રાજ્યના નાગરિકો વતી મુખ્યમંત્રી અને નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
સંઘવીએ જણાવ્યું હતું કે, આ અંદાજપત્રમાં સમાજના દરેક વર્ગ, ખાસ કરીને 'GYAN' (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ) ના એમ્પાવરમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બજેટ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મજબૂત કદમ છે.
ગુજરાત પોલીસ અને તેમના પરિવારજનો માટે આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ અંગે હર્ષ સંઘવીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ રાજ્યમાં પોલીસ પરિવાર માટે એકસાથે ૨૦,૪૦૦થી વધુ નવા સુવિધાયુક્ત રહેણાંક આવાસો બનાવવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ હાઉસિંગ નિગમને રૂ. ૧૫૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, આ માતબર રકમ સરકારની પોલીસ પરિવાર પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. રાજ્ય સરકારનો ધ્યેય મંત્ર છે, પોલીસ પ્રજાની રક્ષા કરે, અને સરકાર પોલીસના પરિવારની દરકાર કરે. આ મંત્રને ચરિતાર્થ કરવા માટે આજે આપણે આ કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છીએ. રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે રહેતી ગુજરાત પોલીસની ચિંતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની આ સરકાર કરી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ પોલીસને પડકાર ફેંકશે કે 'દાદો' થવાનો પ્રયાસ કરશે, તો ગુજરાત પોલીસ તેને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપશે.  ગમે તેટલી પહોંચ ધરાવતો વ્યક્તિ હોય, પણ જો તે નિર્દોષ નાગરિકને કનડશે, તો તેના પગ ધ્રુજી જાય તેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસ ડ્રગ્સ અને વ્યાજખોરી સામે જંગ લડી રહી છે. ડ્રગ્સ માફિયાઓ અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર ૯૦ દિવસમાં ૪૫થી વધુ ડ્રગ્સ માફિયાઓને સજા અપાવવાની ઐતિહાસિક સફળતા ગુજરાત પોલીસે મેળવી છે.
 ગાંધીનગર પોલીસની કામગીરીની પ્રશંસા કરતા સંઘવીએ જણાવ્યું કે, ગાંધીનગર પોલીસે ગુજસીટોક અને પાસા હેઠળ ગંભીર ગુના નોંધી લુખ્ખા-તત્વો સામે કડકાઈથી કામ લીધું છે. પોલીસ આજે દરેક ક્ષેત્રમાં, પછી તે બળાત્કારીઓને ફાંસીના ફંદા સુધી પહોંચાડવાનું કાર્ય હોય કે કાયદો-વ્યવસ્થા જાળવવાની વાત હોય, ગૌરવપૂર્ણ કામગીરી કરી રહી છે.
  આ પ્રસંગે પોલીસ હાઉસીંગ રાજ્ય મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસની ઈમારત હંમેશા શાંતિ અને સુરક્ષાની ગેરંટી પર ટકેલી હોય છે. ગુજરાત પોલીસનું ધ્યેય વાક્ય ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ માત્ર શબ્દો નથી, પરંતુ રાજ્યના જવાનોની ૨૪ કલાક સખત મહેનતનું પરિણામ છે. આ શાંતિપૂર્ણ વાતાવરણના કારણે જ ગુજરાત આજે વિશ્વના રોકાણકારો માટે રોકાણનું પ્રથમ પસંદગીનું કેન્દ્ર બન્યું છે.
રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ભાર મૂકતા મંત્રીએ કહ્યું કે, આજે ગુજરાતમાંથી ‘કર્ફ્યુ’ જેવો શબ્દ અદ્રશ્ય થઈ ગયો છે. નાર્કોટિક્સ ટેરરિઝમ અને ડ્રગ્સ માફિયાઓ સામે એટીએસ (ATS) અને મરીન પોલીસ સૌથી વધુ લંબાઈ ધરાવતા દરિયાકાંઠે મક્કમતાથી સુરક્ષા કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ 'ઝીરો ટોલરન્સ'ની નીતિ સાથે કાર્યરત છે.
 પોલીસ જવાનોના કલ્યાણની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જવાનો વાર-તહેવાર જોયા વગર જનતાની સુરક્ષામાં ખડેપગે હોય છે, ત્યારે તેમને અને તેમના પરિવારને ઉત્તમ રહેઠાણ મળી રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા આધુનિક આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે અને અધૂરા કામો પૂર્ણ કરવા માટે સરકારે રૂ. ૧,૫૦૦ કરોડ જેવી માતબર રકમનું બજેટ ફાળવ્યું છે.
 રાજ્ય પોલીસ વડા કે.એલ.એન રાવે જણાવ્યું હતું કે, આજે નાયબ મુખ્યમંત્રીના હસ્તે સુરક્ષા સાથે સુખાકારીના સંકલ્પ સાથે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા ગાંધીનગર જિલ્લા ખાતે નિર્મીત વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ આવાસમાં રહેતા પરિવારો માટે કેન્ટીનની સુવિધાનું લોકાર્પણ, પોલીસભાઇઓ માટે અત્યાધુનિક જિમ્નાશિયમ તથા ભાદરોડા ખાતે વિવિધ ત્રણ જેલ અને પોલીસ આવાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે આગામી સમયમાં ગુજરાત પોલીસ અને પોલીસ પરીવારોની સુખાકારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ નીપૂર્ણા તોરવણેએ આભારવિધી કરી હતી.
આ પ્રસંગે આર્મ્ડ યુનીટના ડી.જી.પી.રાજુ ભાર્ગવ, ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ધારાસભ્યઓ, પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં

(8:58 PM IST)