News of Wednesday, 18th February 2026
દેવમોગરા ખાતે પાંચ દિવસીય ભાતીગળ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના 5 લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટ્યા
શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ પોલીસ જવાનો અને મંદિરના 450 કરતાં વધુ સ્વયંસેવકો રાત-દિવસ ખડેપગે તહેનાત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વસવાટ કરતા આદિવાસી સમાજના કુળદેવી અને આસ્થાના કેન્દ્ર દેવમોગરા સ્થિત યાહા મોગી પાંડુરી માતાના મંદિરે શિવરાત્રીથી શરૂ થતા ભાતીગળ લોકમેળાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો ત્રણ દિવસના મેળામાં શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું અને 5 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. હજુ મેળાના બે દિવસ બાકી છે. 19 ફેબ્રુઆરી સુધી યોજાનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી કુળદેવીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. હવેથી રાજસ્થાન સહિત અન્ય રાજ્યો જ્યાં આદિવાસી સમાજ વસવાટ કરે છે તેઓ પણ યાહા મોગી માતાના દર્શન માટે આવી રહ્યા છે.
સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડુરી માતા, જેઓ યાહા મોગી, દેવમોગરા, દૂધ મોગરા, કોણી માતા તરીકે પણ ઓળખાય છે. તેમના સાનિધ્યમાં દર વર્ષે પાંચ દિવસ માટે આ મેળો મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાય છે. સંપૂર્ણ ભારતવર્ષમાં માત્ર "દેવમોગરા" મેળામાં ભગવાન શિવની નહીં પરંતુ શક્તિની પુજા થાય છે.દેવમોગરાનો મેળો આદિવાસી સમાજ માટે એક પવિત્ર યાત્રા છે, પાંડુરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. અહીં ભક્તો વાહન મારફતે અને પગપાળા ચાલીને પહોંચે છે. ભક્તો પોતાના દુ:ખ, સમસ્યાઓ દુર કરવા પાંડુરી માતાની બાધા આખળી રાખે છે, અને માતાજી તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રદ્ધાળુઓ નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનેલી ટોપલીમાં નવું તૈયાર થયેલું અનાજ સહીત માનેલી માનતા આધારિત ચીજ-વસ્તુઓ હિજારીમાં સુશોભિત કરી માતાજીના ચરણોમા લાવીને પરંપરાગત પૂજા-અર્ચના કરે છે. માતાજીના ચરણોમાં નૈવેદ્ય સ્વરૂપે ધન, ધાન્ય અર્પણ કરવામાં આવે છે. આદિવાસીઓની અનોખી માન્યતા પ્રમાણે યાહા મોગી માતાને ત્યાંથી ધાન્ય પ્રસાદરૂપે લઈ જઈ ખેતરમાં વાવી તથા અનાજના કોઠારમાં રાખે છે. આમ, કરવાથી બારે માસ ઘરમાં અનાજ ખુટતુ નથી તેવી અનોખી માન્યતા રહેલી છે
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
