<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નીતિન નવીન આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

આજે બપોરે ૧૨:૩૦ કલાકે વલ્લભભાઈ પટેલ આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ પર આગમન થશેઃ રવિવારે પરત દિલ્‍હી જશેઃ પક્ષના નેતાઓ,સંગઠનના હોદ્દેદારો અને બુથ લેવલના કાર્યકરો સાથે બેઠક કરશેઃ ત્રણ દિવસના ભરચક કાર્યક્રમ

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૦: ભારતીય જનતા પાર્ટીના તાજેતરમાં જ વરાયેલા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નીતિન નવીન અધ્‍યક્ષ બન્‍યા બાદ પ્રથમ વખત ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના હોય કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ પ્રવળત્તિ રહ્યો છે તેઓ ત્રણ દિવસ દરમિયાન સંગઠન મજબૂત કરવા અને જુદા જુદા જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.

આ અંગે ગુજરાત ભાજપના અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્‍યું જણાવ્‍યું હતું કે રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બન્‍યા બાદ નીતિન નવીનનો રાજ્‍યનો આ પ્રથમ પ્રવાસ છે નીતિન નવીનનુ બપોરે ૧૨:૩૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે આગમન થશે જ્‍યાં પક્ષના નેતાઓ,આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે ત્‍યારબાદ નારણપુરા ખાતે સાંસદો અને ધારાસભ્‍યો સાથે બેઠક કરશે સાંજે ગાંધીનગરના ઇન્‍ફોસિટી ખાતે યોજવામાં આવેલ બજેટ મીટમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટ્‍સ ઉદ્યોગપતિઓ ડોક્‍ટરો સહિત સંગઠનના હોદ્દેદારોને મળશે.

આવતીકાલે સવારે ૬ કલાકે અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્‍ટની મુલાકાતે જશે ત્‍યારબાદ ૮.૪૫ કલાકે અમદાવાદના ઐતિહાસિક ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે ત્‍યાંથી ગાંધીનગર કમલમ ખાતે રાજ્‍યના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ રાજ્‍યભરમાંથી ઉપસ્‍થિત  આમંત્રિત કાર્યકરોને સંબોધિત કરશે. બપોરે ગાંધીનગર ગિફ્‌ટ સિટીમાં ભાજપ દ્વારા આયોજિત યંગ વોઇસ સમિટને સંબોધિત કરશે સાંજે અમદાવાદ ખાતે આયોજિત બુથ કાર્યકર્તાઓના સંમેલનમાં હાજર રહી માર્ગદર્શન આપશે.

તા. ૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્‍યે અમદાવાદના ખાડિયા વિસ્‍તારમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી દ્વારા યોજાતા ‘‘મન કી બાત'' કાર્યક્રમને કાર્યકરો સાથે બેસી સાંભળશે બપોર બાદ તેઓ દિલ્‍હી જવા રવાના થશે.ગુજરાત ભાજપના અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્‍યું હતું કે ભાજપ કેડર આધારિત પક્ષ હોવાથી તમામ કાર્યકર્તાઓ પક્ષ પ્રત્‍યે પ્રતિબદ્ધ છે તેમણે અંતમાં જણાવ્‍યું હતું કે નિતીન નવીનની ગુજરાત મુલાકાતથી રાજ્‍યમાં સંગઠન વધુ મજબૂત બનશે

(11:30 AM IST)