News of Friday, 20th February 2026
સુરત મનપામાં એસીબીનો મોટો દરોડો : લિંબાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વતી ૪ લાખની લાંચ લેતા પત્રકાર ઝડપાયો : ૧૫ લાખનો થયો હતો સોદો
બલદેવ દેસાઈ (IPS), આર.આર. ચૌધરી અને પીઆઈ કે.જે. ધડુકના માર્ગદર્શન હેઠળ પાર પડાયું ઓપરેશન : બાંધકામ ન તોડવા બદલ લાંચ માંગનાર ઇજનેર વિપુલ ગણેશવાલા અને પત્રકાર મહંમદ ઇસ્માઈલ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત, તા. 20 : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારનો મસમોટો મામલો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વતી લાંચ લેતા એક પત્રકારને ઝડપી લેવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં એસીબીએ કુલ ૧૫ લાખની લાંચની માંગણી પૈકી ૪ લાખ રૂપિયા સ્વીકારતા વચેટીયા બનેલા પત્રકાર વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જોકે રકમ સ્વીકાર્યા બાદ પત્રકાર ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
બાંધકામ અને ડિમોલિશનનો ખેલ:
આ કેસની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. ૧૩૪-૧૩૫ પરના બાંધકામ અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા ગત ૧૦/૧૧/૨૦૨૫ ના રોજ મનાઈ હુકમની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ૧૩/૦૨/૨૦૨૬ ના રોજ પાલિકાના સ્ટાફ દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સમયે ડિમોલિશન ચાર્જ પેટે રૂ. ૧,૭૦,૦૦૦ વસૂલી આરોપી નં. (૧) કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંતભાઇ ગણેશવાલાની સૂચનાથી કામગીરી બંધ રાખવામાં આવી હતી.
૨૧ લાખની માંગણી અને ૧૫ લાખમાં સોદો:
ડિમોલિશન કાયમી ધોરણે રોકવા માટે ઇજનેર વિપુલ ગણેશવાલાના ખાસ માણસ તરીકે ઓળખાતા પત્રકાર અને 'નિષ્પક્ષ ગુજરાત પત્રિકા'ના સંચાલક મહંમદઇસ્માઈલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં બાંધકામ નહીં તોડવાના અવેજ પેટે રૂ. ૨૧ લાખની લાંચ માંગવામાં આવી હતી. રકઝક અને ઇજનેર સાથેની ટેલિફોનિક ચર્ચા બાદ રૂ. ૧૫ લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. જે પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. ૪ લાખ તા. ૧૯/૦૨/૨૦૨૬ ના રોજ આપવાના હતા અને બાકીના ૧૧ લાખ સોમવાર સુધીમાં ચૂકવવાનું નક્કી થયું હતું.
એસીબીની ટ્રેપ અને પત્રકારનો પલાયન:
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો. ઇન્ચાર્જ અધિકારી બલદેવ દેસાઈ (IPS), સુપરવિઝન અધિકારી આર.આર. ચૌધરી અને ટ્રેપિંગ અધિકારી પીઆઈ કે.જે. ધડુકના નેતૃત્વમાં સલાબતપુરા સ્થિત 'નિષ્પક્ષ ગુજરાત પત્રિકા'ની ઓફિસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન પત્રકાર મહંમદઇસ્માઈલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૪ લાખ રૂપિયા સ્વીકાર્યા હતા, પરંતુ તેને શંકા જતાં તે લાંચની રકમ લઈને નાસી છૂટ્યો હતો.
તપાસનો ધમધમાટ:
એસીબીની તપાસ દરમિયાન મુખ્ય આરોપી અને કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પણ સ્થળ પર મળી આવ્યા ન હતા. રાજ્ય સેવક તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી, વચેટીયા સાથે મેળાપીપણું કરીને ગુનાહિત ગેરવર્તણૂક આચરવા બદલ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ ટ્રેપ બાદ મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
