News of Friday, 20th February 2026
ગાંધીનગર એસીબીનો કલોલ સીટી સર્વે કચેરીમાં સપાટો : ૧૦ નોંધ પાડવા માટે ૫૦ હજારની લાંચ લેતા સીનીયર સર્વેયર સહિત બે ઝડપાયા
નાયબ નિયામક હરેશ મેવાડા, મદદનીશ નિયામક એ.કે. પરમાર અને પીઆઈ એચ.બી. ચાવડાના નેતૃત્વમાં સફળ ડીકોય : પંકજકુમાર પરમાર અને રાજકુમાર જયસ્વાલ લાંચ લેતા રંગેહાથ પકડાયા

ગાંધીનગર, તા. 20 : ગાંધીનગર જિલ્લાની કલોલ સીટી સર્વે કચેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના નેટવર્ક પર એન્ટી કરપ્શન બ્યુરોએ (એસીબી) ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. જમીનની નોંધ પાડવા જેવી પાયાની કામગીરીમાં પ્રતિ નોંધ ૫,૦૦૦ રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે એસીબીએ ગત તા. ૧૯/૦૨/૨૦૨૬ ના રોજ ડીકોય ટ્રેપ ગોઠવી હતી. આ ઓપરેશનમાં સીનીયર સર્વેયર અને સર્વેયર બંને ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.
પ્રતિ નોંધ ૫,૦૦૦ નો બાંધ્યો હતો ભાવ:
એસીબીને મળેલી ગુપ્ત માહિતી મુજબ, કલોલ સીટી સર્વે કચેરીમાં જમીનની કોઈપણ નોંધ પાડવા માટે અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે રકમ વસૂલવામાં આવતી હતી. આ માહિતીની ખરાઈ કરવા માટે એસીબીએ એક જાગૃત નાગરિકનો સહકાર મેળવી ડીકોયર તરીકે તેમને તૈયાર કર્યા હતા. કુલ ૧૦ અલગ-અલગ નોંધ પાડવાના કામ માટે આરોપીઓએ ૫૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
એસીબીનું આયોજન અને આરોપીઓની ધરપકડ:
લાંચના છટકા દરમિયાન, આરોપી નં. (૧) પંકજકુમાર ગોવિંદભાઇ પરમાર (સીનીયર સર્વેયર) અને આરોપી નં. (૨) રાજકુમાર હર્ષદકુમાર જયસ્વાલ (સર્વેયર) એ ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. કચેરીમાં જ ૧૦ નોંધના કુલ ૫૦,૦૦૦ રૂપિયા સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને પકડી પાડ્યા હતા. એસીબીએ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે. રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરવા બદલ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અધિકારીઓની વિગત:
આ સમગ્ર ઓપરેશનમાં અમદાવાદ રેન્જના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે. પરમાર દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર એસીબી એકમના ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા અને તેમની ટીમે સફળતાપૂર્વક આ ટ્રેપ પાર પાડી હતી. આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં વચેટિયાઓ અને લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
