News of Friday, 20th February 2026
રાજ્ય શિક્ષણ વિભાગનો ક્રાંતિકારી નિર્ણય : સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસરની ભરતી માટે ‘અધ્યાપક સહાયક’ તરીકેનો ફિક્સ પગારનો અનુભવ હવે માન્ય ગણાશે
ગુજરાતની ૧૪ યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં મોટો સુધારો : વર્ષોથી ફિક્સ પગારે સેવા આપતા હજારો અધ્યાપકોને ઉચ્ચ પદોની ભરતીમાં મળશે સીધો લાભ : શિક્ષણ વિભાગે વિસંગતતા દૂર કરવા તમામ કુલપતિઓને આપ્યા આદેશ

ગાંધીનગર, તા. 20 : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ભરતીના નિયમોમાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો છે. આ નવા સુધારા મુજબ, હવે પ્રોફેસર કે અન્ય ઉચ્ચ શૈક્ષણિક પદોની ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારે અગાઉ ફિક્સ પગાર પર ‘અધ્યાપક સહાયક’ તરીકે આપેલી સેવાને અનુભવ (Experience) તરીકે ગણતરીમાં લેવામાં આવશે. અત્યાર સુધી આ સેવાને અનુભવ તરીકે માન્ય રાખવામાં આવતી નહોતી, જેના કારણે અનેક લાયક ઉમેદવારો ઉચ્ચ પદોની ભરતીમાં વંચિત રહી જતા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભિપ્રાયનો રાજ્યવ્યાપી અમલ:
શિક્ષણ વિભાગનો આ નિર્ણય અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંદર્ભમાં આપવામાં આવેલા એક કાયદાકીય અભિપ્રાય પર આધારિત છે. અગાઉ માત્ર અમુક કિસ્સાઓમાં જ આ બાબત વિચારાતી હતી, પરંતુ હવે શિક્ષણ વિભાગે આ અભિપ્રાયને રાજ્યની તમામ ૧૪ મુખ્ય સરકારી યુનિવર્સિટીઓમાં ફરજિયાતપણે લાગુ કરવાનો આદેશ આપ્યો છે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે ભરતી પ્રક્રિયામાં ચાલતી અલગ-અલગ યુનિવર્સિટીઓની વિસંગતતાઓ દૂર થાય અને રાજ્યભરમાં એકસમાન ભરતી નિયમો જળવાય તે અનિવાર્ય છે.
કઈ યુનિવર્સિટીઓને લાગુ પડશે નવો નિયમ?
શિક્ષણ વિભાગના આ આદેશ બાદ હવે ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ), મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (વડોદરા), હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ), વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (સુરત), તેમજ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિતની રાજ્યની તમામ ૧૪ મુખ્ય યુનિવર્સિટીઓમાં આ નિયમ તાત્કાલિક અસરથી અમલી બનશે. આ યુનિવર્સિટીઓમાં હવે જ્યારે પણ એસોસિયેટ પ્રોફેસર કે પ્રોફેસરની ભરતી થશે, ત્યારે અધ્યાપક સહાયક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો અનુભવના વર્ષોમાં ઉમેરવામાં આવશે.
હજારો અધ્યાપક સહાયકોને મળશે મોટો ન્યાય:
શિક્ષણ જગતના નિષ્ણાતો અને શિક્ષણવિદો આ નિર્ણયને આવકારી રહ્યા છે. તેમના મતે, આ સુધારાથી છેલ્લા ઘણા વર્ષોથી મર્યાદિત ફિક્સ પગારમાં સેવા આપતા અધ્યાપક સહાયકોને લાંબા ગાળે મોટો ન્યાય મળશે. ઉચ્ચ પદો માટે જરૂરી અનુભવના વર્ષો પૂરા કરવામાં આ સુધારો સીડી સમાન સાબિત થશે, જેનાથી પ્રતિભાશાળી અધ્યાપકોની ઉચ્ચ પદો પર નિમણૂકની તકોમાં ધરખમ વધારો થશે. આ સાથે જ સમગ્ર ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને સમાન બનશે.
ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા પ્રયાસ:
શિક્ષણ વિભાગે આદેશમાં ભાર મૂક્યો છે કે તમામ યુનિવર્સિટીઓએ આ નિયમનો ચુસ્તપણે અમલ કરી ભરતીમાં સમાનતા જાળવવી. ફિક્સ પગારના સમયગાળાને અનુભવ તરીકે ન ગણવાને કારણે થતા વિવાદો અને કોર્ટ કેસોમાં પણ આ નિર્ણયથી ઘટાડો થવાની સંભાવના છે. આગામી સમયમાં થનારી કાયમી ભરતીઓમાં હજારો અધ્યાપકોને આ સુધારાનો સીધો આર્થિક અને વ્યાવસાયિક લાભ મળશે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
