<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

લોકસાહિત્યકાર દેવાયત ખવડને સાણંદ કોર્ટની મોટી રાહત :છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર

બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થતાં કોર્ટે દેવાયત ખવડને નિર્દોષ છોડવા હુકમ :લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની વિવાદનો અંત આવતા દેવાયત ખવડ અને તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો

અમદાવાદ : જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે રાહતના સમાચાર આવ્યા છે. સાણંદ કોર્ટ  દ્વારા તેમને એક જૂના છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે પુરાવાઓના અભાવે દેવાયત ખવડને છોડી મૂકવાનો હુકમ કર્યો છે, જેને પગલે તેમના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

કેસની વિગત મુજબ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી. રુ. 8 લાખ લઈને પ્રોગ્રામ ન કરવાનો આરોપ હતો. આ કેસ સાણંદની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે બાદ છેતરપિંડી કેસમાં બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થયું. જે બાદ કોર્ટે ચાંગોદરના છેતરપિંડીના કેસમાં દેવાયતને છોડી દેવાનો હુકમ કરાયો છે. દેવાયત ખવડ તરફે એડવોકેટ ધ્રુવેશ કે. ત્રિવેદી હાજર રહ્યાં હતા. આ અગાઉ પણ દેવાયત ખવડ અન્ય વિવાદોમાં રહી ચૂક્યા છે, પરંતુ આ કેસમાં મળેલી રાહત તેમના જાહેર જીવન અને કારકિર્દી માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે વિવાદો જાણે તેમની લોકપ્રિયતાનો એક હિસ્સો બની ગયા છે. તેમની કારકિર્દીમાં સૌથી ચર્ચિત વિવાદ રાજકોટ ખાતે મયુરસિંહ રાણા પર થયેલા જીવલેણ હુમલાનો રહ્યો છે, જેમાં દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેમને લાંબો સમય જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. આ હુમલા પાછળ જૂની અદાવત હોવાનું મનાતું હતું. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર અન્ય કલાકારો કે જ્ઞાતિઓ વિશે કરેલી કેટલીક ટિપ્પણીઓને કારણે પણ તેઓ અનેકવાર વિરોધનો સામનો કરી ચૂક્યા છે. ક્ષત્રિય સમાજના યુવાનો સાથેના ઘર્ષણ અને જાહેર કાર્યક્રમોમાં તેમના ઉગ્ર તેવર ઘણીવાર કાનૂની ગૂંચવણોનું કારણ બન્યા છે. હાલ  સાણંદ કોર્ટ દ્વારા જે છેતરપિંડીના કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, તે વિવાદે પણ લાંબા સમય સુધી તેમની છબી પર અસર પાડી છે.

 

(8:42 PM IST)