News of Saturday, 21st February 2026
અમદાવાદમાં 'બંટી-બબલી' સ્ટાઈલ ઠગાઈ: જુગારના શોખીન ત્રણ વેલેટ પાર્કિંગના મિત્રોએ ભાડે લીધેલી લક્ઝરી કારો બારોબાર વેચવાનું કૌભાંડ આચર્યું
મોબાઈલ એપથી નકલી આધારકાર્ડ અને RC બુક બનાવી લોકોને લાખોનો ચૂનો લગાવ્યો; એરપોર્ટ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા

અમદાવાદ: અમદાવાદના એરપોર્ટ પોલીસે એક એવા શાતિર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં લક્ઝરી કારના વેલેટ પાર્કિંગમાં નોકરી કરતા ત્રણ મિત્રોએ પોતાના મોજશોખ અને જુગારની લત પૂરી કરવા માટે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો હતો. 'ભાડે ગાડી લો અને બારોબાર વેચી દો' એવા ફોર્મ્યુલા સાથે આ ઠગ ટોળકીએ અનેક લોકોને લાખો રૂપિયાની ટોપી પહેરાવી હતી. જોકે, તેમની આ ચાલાકી લાંબો સમય ટકી શકી નહીં અને હવે તેઓ પોલીસના સકંજામાં છે.
વેલેટ પાર્કિંગથી જુગારના અડ્ડા સુધીની સફર
પકડાયેલા આરોપીઓની ઓળખ સુરજ પંડિત, મીત ચૌહાણ અને સંપત ઉર્ફે માલિયા ધોબી તરીકે થઈ છે. આ ત્રણેય મિત્રો હોટલ કે એરપોર્ટ પર વેલેટ પાર્કિંગની નોકરી કરતા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, તેમને વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાની અને જુગાર રમવાની ભારે આદત હતી. આ શોખ પૂરા કરવા માટે તેમની ટૂંકી આવક પૂરતી ન હોવાથી તેમણે માસ્ટર પ્લાન ઘડ્યો અને લોકોની ગાડીઓ પચાવી પાડવાનું શરૂ કર્યું.
મોબાઈલ એપથી ડોક્યુમેન્ટની માયાજાળ
આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ સુરજ પંડિત છે. સુરજ મોબાઈલ એપ્લિકેશનની મદદથી પળવારમાં નકલી આધારકાર્ડ અને આરસી (RC) બુક તૈયાર કરી લેતો હતો. તેઓ પહેલા સામાન્ય લોકો પાસેથી વિશ્વાસ જીતીને ગાડી ભાડે લેતા હતા અને ત્યારબાદ તે ગાડીના ડમી દસ્તાવેજો બનાવીને અન્ય ગ્રાહકોને ખૂબ જ ઓછી કિંમતમાં વેચી દેતા હતા. એક કિસ્સામાં તો તેમણે નકલી દસ્તાવેજોના આધારે એક વ્યક્તિ પાસેથી ૬ લાખ રૂપિયા પણ પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.
બંને પક્ષે છેતરપિંડી: પોલીસ તપાસ તેજ
આરોપીઓ માત્ર ગાડીના માલિક સાથે જ નહીં, પણ ગાડી ખરીદનાર નિર્દોષ વ્યક્તિ સાથે પણ છેતરપિંડી કરતા હતા. એરપોર્ટ પોલીસે અત્યાર સુધીમાં થયેલા આર્થિક વ્યવહારોની તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ માત્ર અમદાવાદ જ નહીં, પણ ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ પ્રકારે ગાડીઓ બારોબાર વેચી હોઈ શકે છે. હાલ ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવીને પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
