<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

વડોદરામાં રુંવાડા ઉભા કરી દેતી ઘટના: 3 મિનિટ સુધી મોત સાથે જંગ લડ્યા બાદ ચોથા માળેથી પટકાયો હોમગાર્ડ

અગોરા સિટી સેન્ટરના ચોથા માળે દીવાલ પર લટકેલા યુવકને બચાવવા માટે થયેલા સંઘર્ષના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસની ચોરીની થિયરી અને પરિવારના ગંભીર આક્ષેપો વચ્ચે રહસ્ય ઘેરાયું

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના સમા વિસ્તારમાં આવેલા હાઈપ્રોફાઈલ 'અગોરા સિટી સેન્ટર'માં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. સમા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો ૩૫ વર્ષીય હિતેન્દ્ર સિંહ પરમાર બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા કરુણ મોતને ભેટ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે હિતેન્દ્ર લગભગ ત્રણ મિનિટ સુધી હવામાં લટકતો રહ્યો હતો અને જીવ બચાવવા માટે આખરી સંઘર્ષ કરી રહ્યો હતો. નીચે ઉભેલા લોકોની ચીસાચીસ અને ઉપરથી તેને બચાવવાના નિષ્ફળ પ્રયાસો વચ્ચે અંતે પકડ છૂટી ગઈ હતી અને હિતેન્દ્ર ધડાકાભેર જમીન પર પટકાયો હતો.
આ ઘટના બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં એવો સંકેત આપવામાં આવ્યો છે કે હિતેન્દ્ર કદાચ ચોરીના ઈરાદે બિલ્ડિંગમાં પ્રવેશ્યો હતો અને પકડાઈ જવાના ડરથી ભાગવા જતા તે નીચે પટકાયો હતો. જોકે, મૃતકના ભાઈ અજીતસિંહ પરમારે આ થિયરીને પાયાવિહોણી ગણાવી છે. પરિવારનો દાવો છે કે હિતેન્દ્ર કોઈ ચોર નથી, પરંતુ તે પોતાના બાકી નીકળતા કામના નાણાં લેવા માટે ત્યાં ગયો હતો. સીસીટીવીમાં એક શખ્સ (જે બાઉન્સર હોવાનું મનાય છે) તેનો હાથ પકડી રાખતો દેખાય છે, પરંતુ રહસ્યમય સંજોગોમાં હાથ છોડી દેવામાં આવતા હિતેન્દ્ર નીચે પટકાયો હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.
ઘટના બાદ હિતેન્દ્રને તાત્કાલિક સયાજી હોસ્પિટલ (SSG) ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં આ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે: શું ખરેખર તે ચોર હતો? જો તેને બચાવવાનો પ્રયાસ થતો હતો તો તે નિષ્ફળ કેમ ગયો? અને શું તેને બચાવવાને બદલે નીચે ફેંકી દેવામાં આવ્યો હતો? મૃતકનો પરિવાર હવે નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરી રહ્યો છે. આ ઘટનાએ હાઈરાઈઝ બિલ્ડિંગોની સુરક્ષા અને ત્યાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સામે પણ મોટા પ્રશ્નો ઉભા કર્યા છે.

(4:08 PM IST)