News of Sunday, 22nd February 2026
દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ટોર્ચરનો આરોપ :ક્રિકેટના બેટ વડે ફટકારી અમાનવીય અત્યાચાર કર્યાનો આક્ષેપ:ન્યાયની માંગણી
બુટલેગરનું પાયલોટિંગ કરવાના આક્ષેપ સાથે અટકાયત કરાયેલા વિપુલ નામના યુવક પર બે પોલીસકર્મીઓએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાનો મામલો હવે એસપી કચેરી સુધી પહોંચ્યો

દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ટોર્ચરની ચોંકાવનારી ઘટના સામે આવી છે,બુટલેગરનું પાયલોટિંગ કરવાના આક્ષેપ સાથે અટકાયત કરાયેલા વિપુલ નામના યુવક પર બે પોલીસકર્મીઓએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાનો મામલો હવે એસપી કચેરી સુધી પહોંચ્યો છે. પીડિતની પત્ની કમીલાબેને પોલીસકર્મી જયદિપ અને અતુલ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક આદિવાસી પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે જિલ્લા પોલીસ વડા દ્વારા તટસ્થ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઓનલાઇન કેસના બહાને વિપુલની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આક્ષેપ છે કે લોકઅપના અંધારા રૂમમાં તેને પૂરી રાખવામાં આવ્યો હતો અને ક્રિકેટના બેટ વડે પગના તળિયે 40 જેટલા ફટકા મારવામાં આવ્યા હતા. એટલું જ નહીં, માથાના વાળ પકડી મોઢું દિવાલ સાથે અથડાવી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. હાલ પીડિત યુવક દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે ડી.કે. બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળના ચુકાદામાં કસ્ટોડિયલ હિંસા વિરુદ્ધ કડક માર્ગદર્શિકા જાહેર કરેલી છે, તેમ છતાં ગરબાડામાં થયેલ આ પ્રકારનું 'થર્ડ ડિગ્રી' ટોર્ચર માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન દર્શાવે છે. જો પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં વિલંબ થશે, તો આગામી દિવસોમાં સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનની શક્યતા નકારી શકાતી નથી
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
