તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Monday, 23rd February 2026
દર મહિને ઓછામાં ઓછું એક વખત બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવો જોઇએ
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે જનપ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓને લેસન આપ્યું : કાર્યકરો સાથે પદાધિકારીઓ અને જનપ્રતિનિધિ સંવાદ કરશે તો તેને પક્ષ તથા સરકારની કામગીરીની સાચી હકીકતો જાણવા મળશે

અમદાવાદ,તા.૨૩: ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સંગઠન અને જનપ્રતિનિધિઓને પોતાના વિસ્તારોમાં સતત પ્રવાસ કરવા, ઓછામાં ઓછું એક વખત પોતાના વિસ્તારના બૂથ સ્તરના કાર્યકર્તા સાથે સંવાદ કરવા સૂચના આપી છે. રાષ્ટ્રીય અધ્યક્ષનું કહેવું છે કે હાલમાં સોશીયલ મીડિયાના વધતાં પ્રભાવના કારણે સાચીખોટી માહિતીઓની ભરમાર છે ત્યારે કાર્યકરો સાથે પદાધિકારીઓ અને જનપ્રતિનિધિ સંવાદ કરશે તો તેને પક્ષ તથા સરકારની કામગીરીની સાચી હકીકતો જાણવા મળશે. એ વાકેફ થશે તો એના સંપર્કમાં આવનાર નાગરિકોને પણ હકીકત જણાવશે.
ભાજપ અધ્યક્ષ નવીને પ્રવાસના પ્રથમ બે દિવસમાં ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ બેઠકોમાં અધ્યક્ષે સમયાંતરે બૂથ સ્તર સુધીના કાર્યકરો સાથે સંવાદ કરવા પર ભાર મુક્યો હતો. સાંસદો, ધારાસભ્યો, પ્રભારીઓ, મહામંત્રીઓ સહિતના પદાધિકારીઓ પંદર દિવસ કે મહિનામાં એક વખત બૂથ સ્તર સુધીના કાર્યકરો સાથે સંવાદ કરે. હવે લોકો સુધી પહોંચવાનું માધ્યમ બદલાઇ રહ્યું છે. સોશિયલ મીડિયાનો વધુને વધુ ઉપયોગ કરવો જોઇએ. જો એક જવાબદાર કાર્યકર તરીકે તમને પક્ષ કે સરકારની વાત નહીં પોસ્ટ કરો તો સોશિયલ મીડિયામાં ચાલતા અપપ્રચાર અને નકારાત્મક વાતોની ભરમાર વચ્ચે નાગરિકોને હકીકત જાણવા મળશે નહીં. જો તમે પોસ્ટ નહીં કરો તો એને જે જોવા મળશે એને જ માનીને ચાલશે.
આ તકે તેમણે દિલ્હીમાં યુથ કોંગ્રેસના દેખાવો સામે કેટલાએ પોસ્ટ કરી હતી એવું સોશિયલ મીડિયા ટીમને પુછતાં માંડ ત્રીજા ભાગના કાર્યકરોએ જ હાથ ઊંચા કર્યા હતા. જોકે, આના પછી પક્ષે વિધિવત રીતે ખંડન કરતી પ્રતિક્રિયા બહાર પાડી હતી.
પક્ષમાં લાંબા સમયથી નીચલા સ્તરેથી પરિશ્રમ કરીને ઉપર આવતા, પદ કે ટિકિટ મેળવતા કાર્યકરોની સામે બહારથી આવીને ગોઠવાઇ જનારો વર્ગ વધી રહ્યો છે એનાથી એક અંદરખાને નારાજગી પ્રવર્તી રહી છે તેનાથી કેટલાક અંશે વાકેફ રાષ્ટ્રીય અધ્યક્ષે ટકોર કરી હતી કે, જનપ્રતિનિધિ હોય તો એની એના વિસ્તાર, કાર્યકરો પર એક રીતે પકડ હોવી જોઇએ. એને ક્યાં શું થઇ રહ્યું છે જનતાને ક્યાં સમસ્યા છે, પ્રશ્નો છે તેની જાણકારી હોવી જોઇએ અથવા મળતી રહેવી જોઇએ. તેના ઉકેલ માટે મથામણ કરવી જોઇએ. આ જ રીતે તેમણે એવી પણ ટકોર કરી કે, કેટલાક પ્રતિનિધિઓ કોઇને કોઇ સમાજ સાથે સંકળાયેલા હોય છે તો એવા પ્રતિનિધિઓની એ સમાજ પર પણ પકડ હોવી જોઇએ. આમ થશે તો આખરે પક્ષને જ લાભકર્તા થશે. પદ માટે પક્ષમાં ન આવવું જોઇએ, દરેકને પદ મળી શકે નહીં, પરંતુ પદ મળ્યા પછી વધારે નમ્ર થઇને બે ડગલા નીચે ઉતરીને કામ કરવાનું છે એમ કહી રાષ્ટ્રીય અધ્યક્ષે ઉમેર્યુ કે, પદાધિકારીઓએ હંમેશા બે સ્ટેપ ડાઉન થઇ ગ્રાઉન્ડ સ્તર પર કામગીરી કરવી જોઇએ તો જ સફળતા મળશે
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
