<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

આવકના દાખલા માટે તલાટી ઓફિસના ધક્કા બંધઃ મામલતદાર જ કાઢી આપશે

સરકારે કાર્યપ્રણાલીમાં સુધારા સાથે પરિપત્ર બહાર પાડ્‍યો : હવે મામલતદાર કચેરીમાં અરજી કરીને દાખલો મળી જશે

અમદાવાદ,તા.૨૪: આવકનો દાખલો મેળવવો તો જોણે લોઢાના ચણા ચાવવા બરાબર હોય તેવો પ્રોસેસ હતો. કારણ કે, તલાટીઓ મળી આવતા ન હતા અને લોકોને ધરમધક્કા ખાવા પડતા હતાં. પરંતુ હવે પ્રજાની પીડા સરકારે સમજી છે અને સરકારે આ આવકના દાખલામાં કાર્યપ્રણાલીમાં સુધારા સાથે પરિપત્ર જાહેર કર્યો છે. જેથી હવે લોકોએ આવકનો દાખલો મેળવવા મામલતદાર કચેરીએ જ ફોર્મ ભરીને આપવુ પડશે અને ત્‍યાથી જ દાખલો મળી જશે. હવે લોકોએ વારંવાર ધક્કા ખાવા નહીં પડે.

પહેલા આવકનો દાખલો મેળવવા માટે તલાટી ઓફિસે અરજદારે રૂબરૂમાં જવુ પડતુ હતુ અને પોતાની સાથે બે સાક્ષીઓ લઈ જવા પડતા હતા તેમજ ત્‍યાં પંચનામું કરવવુ પડતુ હતુ. એ પછી ફોર્મ પર તલાટીના સહી-સિક્કા કરાવીને મામલતદાર કચેરીએ જવુ પડતુ હતુ. જોકે, મામલતદાર કચેરી ખાતે બે દિવસ જેટલો સમય લાગતો હતો, પરંતુ તલાટી ઓફિસે તલાટી મળી આવતા ન હતા. જેથી લોકોએ ચાર-પાંચ દિવસ સુધી ધક્કા ખાવા પડતા હતા. લોકો નોકરી-ધંધા પર રજા મૂકીને કે કામ છોડીને પણ તલાટી ઓફિસે જતા હતાં. ત્‍યારે વડોદરા શહેર અને જિલ્‍લામાં તલાટીઓની ભારે અછત છે જેથી તેમને બબ્‍બે ગામોનો ચાર્જ સોંપેલો છે ત્‍યારે તેઓ એક ઓફિસમાં મળી આવતા ન હતાં. ત્‍યારે આવકના દાખલા માટે લોકોએ પાંચ દિવસ અને કેટલીક વાર તો ૧૦-૧૦ દિવસ સુધી રાહ જોવી પડતી હતી, પરંતુ રાજ્‍ય સરકારે હવે આવકના દાખલા માટેની કાર્યપદ્ધતિ તથા પ્રક્રિયા સંપૂર્ણપણે ડીજીટાઈઝ કરવાનો નિર્ણય લીધો છે. જે માટે કલેક્‍ટરોને સૂચનાઓ આપી દીધી છે.

હવે લોકોએ આવકનો દાખલો મેળવવા મામલતદાર કચેરી કે તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે જઈને ફોર્મ ભરવાનુ રહેશે અને ત્‍યાંથી જ આવકનો દાખલો મળી જશે. હવે તલાટી ઓફિસે લોકોએ ધક્કા ખાવાની જરૂર નથી. મામલતદારના મોબાઈલ પર ઓટીપી આપશે અને તેના આધારે જ આવકના દાખલા મંજૂર થઈ જશે. તેમજ આવકના દાખલા પર હવે મામલતદારની સાદી સહી નહીં પરંતુ ડિજીટલ સહી જોવા મળશે. હવે લોકોને તલાટી ઓફિસે જઈને બે સાક્ષીઓ સાથે લઈજવા માટેથી પણ મુક્‍તિ મળશે અને આવકનો દાખલો પણ બે દિવસમાં મળી જશે.

એજન્‍ટોના હાથમાંથી આવકના દાખલાનો ધંધો જશે

એજન્‍ટો અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે. નાગરિક સેવા કેન્‍દ્ર હોય કે તલાટી ઓફિસ કે પછી મામલતદાર કચેરી હોય. આ એજન્‍ટોનો સંબંધીત અધિકારી સાથે સારી ઉઠક બેઠક હોય છે. ત્‍યારે સામાન્‍ય નાગરિક જાય તો તેણે ધક્કા ખાવા પડે અને વારંવાર ધક્કા ખાઈને તેમની બે જોડી ચપ્‍પલ ઘસાઈ જાય પરંતુ એજન્‍ટો સીધા જ અધિકારીઓની ચેમ્‍બરોમાં ઘૂસી જઈને પોતાના કામો કરાવી લેતા હોય છે. ત્‍યારે આ એજન્‍ટો પાસેથી કામ કરાવવા માટે લોકો મજબૂર બની જતા હોય છે. પરંતુ આવકના દાખલા માટે હવે લોકોએ ધક્કો નહીં ખાવો પડે અને સરળતાથી દાખલો મળી જશે. જેથી હવે આ એજન્‍ટોના હાથમાંથી આવકના દાખલાનો ધંધો જશે. જોકે, આવા એજન્‍ટો કલેક્‍ટર કચેરી અને સિટી સર્વેની કચેરીઓમાં પણ આંટાફેરા મારતા જોવા મળે છે. જેમની સાથે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ કંપાઉન્‍ડમાં ચ્‍હાની ચુસ્‍કીઓ મારતા હોય છે.

(10:21 AM IST)