તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Wednesday, 25th February 2026
ગુજરાતની મજબૂત નાણાકીય શિસ્ત અને સર્વાંગી વિકાસ: રાષ્ટ્રના અર્થતંત્રમાં અગ્રેસર રાજ્ય : ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ : રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિ દર ૬.૫ ટકા સામે ગુજરાતનો વૃદ્ધિ દર ૭.૪ ટકા
FRBM Act મુજબ રાજ્યના GSDPની સાપેક્ષમાં જાહેર દેવું ૨૭.૧૦ ટકાની મર્યાદામાં રાખવું ફરજિયાત; વર્ષ ૨૦૨૬-૨૭માં જાહેર દેવાનું પ્રમાણ માત્ર ૧૪.૬૫ ટકા જ રાખવાનું આયોજન : રાજ્યમાં કુદરતી આફતોના સમયે કેન્દ્ર સરકાર તરફથી ગત ૫ વર્ષમાં SDRF, SDMF, NDRF અને NDMF હેઠળ કુલ રૂ. ૮,૧૫૧ કરોડથી વધુની સહાય મળી

અમદાવાદ તા.૨૫ : ગુજરાત સરકારે તેની નાણાકીય શિસ્ત, લાંબાગાળાનું આયોજન અને જનહિતલક્ષી અભિગમ દ્વારા દેશના સૌથી વિકસિત રાજ્ય તરીકેનું પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસ અને કલ્યાણકારી યોજનાઓને વેગ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
નાણા વિભાગ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ નોંધપાત્ર રીતે વધુ રહ્યો છે. દેશનો આર્થિક વૃદ્ધિદર સરેરાશ ૬.૫ ટકાથી વધુ છે, જેની સામે ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર ૭.૪ ટકા નોંધાયો છે. આટલું જ નહીં, વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૪-૨૫ સુધીના ૧૩ વર્ષના લાંબાગાળામાં ગુજરાતે સરેરાશ ૮.૩ ટકાનો વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર હાંસલ કર્યો છે.
આ ઉપરાંત નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં રાજ્ય સરકારે નાણાકીય વ્યવસ્થાપનમાં પણ મજબૂત શિસ્ત જાળવી છે. નાણાકીય જવાબદારી અને અંદાજપત્ર વ્યવસ્થાપન અધિનિયમ (FRBM Act) મુજબ રાજ્યના કુલ એકંદર ઘરગથ્થું ઉત્પાદનના (GSDP) સાપેક્ષમાં જાહેર દેવાનું પ્રમાણ ૨૭.૧૦ ટકાની મર્યાદામાં રાખવાનું હોય છે.
આ મર્યાદાની સામે ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં જાહેર દેવાનું પ્રમાણ માત્ર ૧૪.૬૫ ટકા જેટલું નીચું રાખવાનું આયોજન કરીને ઉત્કૃષ્ટ નાણાકીય વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારનું દેવું એ રાજ્યના વિકાસકાર્યો અને મૂડી ખર્ચ માટેનું એક મહત્વપૂર્ણ સંસાધન છે, જેનો ઉપયોગ જનહિતના કામો માટે કરવામાં આવે છે.
ગુજરાત સરકારના બજેટમાં સિંહફાળો વિકાસલક્ષી કાર્યો પાછળ ખર્ચવામાં આવે છે. નાણા મંત્રીશ્રીએ રજૂ કરેલા વર્ષ ૨૦૨૬-૨૭ના કુલ રૂ. ૪ લાખ કરોડથી વધુના બજેટમાંથી રૂ. ૨.૬૨ લાખ કરોડથી વધુ એટલે કે, લગભગ ૬૫ ટકાથી વધુ બજેટ વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવવામાં આવ્યું છે, જેથી રાજ્યના નાગરિકોની જનસુખાકારીમાં વધારો કરી શકાય. ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં વિકાસલક્ષી ખર્ચનું પ્રમાણ સતત જાળવી રાખીને જનતાના કલ્યાણને પ્રાધાન્ય આપ્યું છે.
રાજ્યમાં કુદરતી આફતોના સમયે નાગરિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ ભંડોળ હેઠળ કુલ રૂ. ૮,૧૫૧ કરોડથી વધુની સહાય મળી છે. જેમાં, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ રૂ. ૫,૮૫૨.૮ કરોડ, સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ રૂ. ૧,૧૪૧.૪૦ કરોડ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ રૂ. ૧,૦૭૬.૨૩ કરોડ અને નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ રૂ. ૮૦.૮૮ કરોડની સહાય રાજ્ય સરકારને મળી છે.
ગુજરાત તેની મર્યાદિત દેવાકીય જવાબદારીઓ, ઊંચા વૃદ્ધિ દર અને મોટા પાયે થતા વિકાસલક્ષી ખર્ચને કારણે આજે રાષ્ટ્રનું ગ્રોથ એન્જિન બન્યું છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
